ઈસ્કોન મંદિર રાજકોટ દ્વારા 24મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ
આવતીકાલ સાંજે 5 વાગ્યે કોટેચા ચોકથી પ્રસ્થાન; એક લાખ પ્રસાદ પેકેટોનું વિતરણ, ભંડારા પ્રસાદનું આયોજન
સિટી ન્યૂઝ | રાજકોટ
અષાઢી બીજના પાવન અવસરે ઈસ્કોન મંદિર રાજકોટ દ્વારા આવતીકાલના રોજ ભગવાન શ્રી જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીની ૨૪મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૩થી સતત યોજાતી આ રથયાત્રા આ વર્ષે પણ ભક્તિ, સંકીર્તન અને આધ્યાત્મિક ઉત્સાહ વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર નીકળશે. ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા દાસે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીનો વિશેષ શણગાર વૃંદાવનધામથી મંગાવવામાં આવેલા દિવ્ય વસ્ત્રો અને અલંકારોથી કરવામાં આવશે. ઉપરાંત ભવ્ય રથને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવશે, જે રથયાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે. રથયાત્રા સાંજે ૫:૦૦ વાગ્યે રામકૃપા કેરી, કોટેચા ચોક ખાતેથી પ્રસ્થાન કરશે. ત્યારબાદ ઈન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે.કે. ચોક, એ.જી. ચોક, જડુસ સર્કલ, રંગોલી પાર્ક અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર થઈ ઈસ્કોન મંદિર પહોંચશે. સમગ્ર રથયાત્રા દરમિયાન હરે કૃષ્ણ મહામંત્રના સંકીર્તન, મૃદંગ-કરતાલ સાથે ભજન-કીર્તન અને "જય જગન્નાથ"ના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તો ભક્તિરસમાં ઝૂમી ઊઠશે. માર્ગના વિવિધ મુખ્ય ચોકો પર ભગવાનની વિશેષ આરતી અને પૂજાવિધિનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી નાગરિકો પોતાના વિસ્તાર નજીક ભગવાનના દર્શન અને આરતીનો લાભ લઈ શકશે. રાત્રે આશરે ૭:૦૦ વાગ્યે ઈસ્કોન મંદિર ખાતે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત શહેરના ભક્તજનો સુધી પ્રસાદ પહોંચે તે માટે આશરે ૫,૦૦૦ કિલો બુંદીમાંથી એક લાખ જેટલા પ્રસાદ પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેનું રથયાત્રા દરમિયાન વિતરણ કરવામાં આવશે. ઈસ્કોન મંદિર દ્વારા શહેરના તમામ ધર્મપ્રેમી નાગરિકોને પરિવાર સાથે રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીના દર્શન, આરતી અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.