Loading Please Wait !!!
જંગલેશ્વર પાર્ટ-2 કૌભાંડ કલેક્ટરની સતર્કતાથી કરોડોની લૂંટ અટકી !

80 લાખના કામ માટે 3.30 કરોડનો ખેલ નિષ્ફળ

  • રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે બૂથ ઉપર મંડપનો કોન્ટ્રાક્ટ 3.30 કરોડનું ટેન્ડર પ્રાંત કચેરીએ મંજૂર કરી અંતિમ મંજૂરી માટે કલેક્ટરને મોકલવામાં આવ્યું હતું

  • જે કોન્ટ્રાક્ટરનું ટેન્ડરમાંથી નામ કમી કરવામાં આવ્યું હતું તે ને જ સસ્તા ભાવે ઓર્ડર આપવામાં આવ્યો

2024માં આજ પ્રકારનું કામ માત્ર 80 લાખમાં પૂર્ણ થયું હતું

સીટી ન્યૂઝ@રાજકોટ

તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની ૧૮ વોર્ડની ચૂંટણી દરમિયાન એક મોટું આર્થિક ગેરરીતિનું કૌભાંડ બહાર આવતા પહેલાં જ અટકી ગયું હોવાનું સામે આવ્યું છે. પ્રાંત કચેરીના કેટલાક અધિકારીઓની સંભવિત સાંઠગાંઠથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થવાનું હતું, પરંતુ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સતર્કતા અને ત્વરિત હસ્તક્ષેપથી આશરે ૨.૨૦ કરોડની રકમ બચાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. માહિતી મુજબ, ૧૮ વોર્ડના બૂથ પર મતદારોને તડકાથી બચાવવા માટે મંડપ વ્યવસ્થા માટે ૩.૩૦ કરોડનું ટેન્ડર પ્રાંત કચેરી દ્વારા મંજૂર કરી અંતિમ મંજૂરી માટે કલેક્ટરને મોકલવામાં આવ્યું હતું. જોકે, આ રકમની સરખામણીએ અગાઉ વર્ષ ૨૦૨૪માં એ જ પ્રકારનું કામ માત્ર ૮૦ લાખમાં પૂર્ણ થયું હતું.

આ મોટા તફાવતને ધ્યાનમાં રાખીને કલેક્ટરે તરત જ દખલ કરી અને અનુભવી મંડપ કોન્ટ્રાક્ટરને ૮૦ લાખમાં જ કામ સોંપવાનો આદેશ આપ્યો. પરિણામે સરકારના આશરે ૨.૨૦ કરોડનો વ્યય અટકાવી શકાયો.

ચર્ચા એ પણ છે કે ૩.૩૦ કરોડનું ટેન્ડર પ્રાંત કચેરીના કેટલાક ચોક્કસ અધિકારીઓની સાંઠગાંઠથી એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપવાની પ્રક્રિયા લગભગ ફાઈનલ થઈ ગઈ હતી. જો આ ટેન્ડર પાસ થઈ જાય, તો મોટાપાયે ગેરવહીવટ થવાની શક્યતા હતી. હાલમાં આ સમગ્ર મામલે સવાલો ઊભા થઈ રહ્યા છે. આટલું ઊંચું ટેન્ડર કોની ભલામણથી આગળ ધપાવવામાં આવ્યું? કયા કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ હતો? અને શું આમાં વધુ અધિકારીઓ સંકળાયેલા છે?

વિશ્લેષકો માને છે કે જો સરકાર આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવે, તો “જંગલેશ્વર પાર્ટ-૨” જેવું મોટું કૌભાંડ બહાર આવી શકે છે.

રાજકોટમાં 18 વોર્ડમાં 1016 બૂથ હતા જેમાં કેટલાક અધિકારીઓની સાંઠગાંઠથી એક મંડપની કિંમત 31000 મંજૂર કરી આખરી મંજૂરી માટે કલેક્ટરને મોકલ્યું, કલેક્ટરે તે એક મંડપનો ખર્ચ 8 હજાર રૂપિયામાં નક્કી કર્યો હતો