4.87 કરોડની છેતરપિંડીમાં મહિમા કક્કડની જામીન અરજી ફગાવઈ
ચાર્જશીટ બાદ સેશન્સ કોર્ટનો નિર્ણય; GPID એક્ટ સહિતના ગુનામાં રાહત ન મળી
સિટી ન્યૂઝ | રાજકોટ
કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં આરોપી મહિમાબેન બીપીનભાઈ કક્કડની ચાર્જશીટ બાદ કરવામાં આવેલી નિયમિત જામીન અરજી રાજકોટની નામદાર સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
ફરિયાદી નીતુબેન રાજેશભાઈ દાસ (રહે. મવડી પાર્ક, રાજકોટ)એ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી દર્શીલ મહેશભાઈ વાઘેલાએ મોબાઈલની ખરીદ-વેચાણના ધંધામાં વધુ નફાની લાલચ આપી તેમની પાસેથી રૂ. ૧.૭૦ લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં રોકાણની રકમ પરત ન આપતા વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા મહિમાબેન બીપીનભાઈ કક્કડની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, ફરિયાદી તથા અન્ય અનેક લોકોને મોબાઈલ ખરીદ-વેચાણની વિવિધ સ્કીમોમાં વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવવામાં આવ્યું હતું. તપાસમાં અંદાજે રૂ. ૪.૮૭ કરોડની રકમ એકત્ર કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો.
જામીન અરજીની સુનાવણી દરમિયાન મૂળ ફરિયાદી તરફથી એડવોકેટ કલ્પેશ નસીત તથા સરકાર તરફથી સરકારી વકીલ પરાગ એન. શાહે જામીનનો વિરોધ કરી દલીલો રજૂ કરી હતી. કોર્ટે પોલીસની વાંધા અરજી, કેસની ગંભીરતા અને રજૂ થયેલી હકીકતોને ધ્યાનમાં રાખી GPID એક્ટ સહિતના ગુનાઓમાં આરોપી મહિમાબેન કક્કડની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં મૂળ ફરિયાદી તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, એડવોકેટ કલ્પેશ નસીત, નૈમિષ જોશી, અનિતા રાજવંશી તથા આસિસ્ટન્ટ તરીકે ઈશા છત્રાત્રિયાએ પેરવી કરી હતી, જ્યારે સરકાર તરફથી સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયેલા હતા.