2.49 કરોડની છેતરપિંડી કેસમાં મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર
અવધ અને હીરાસર જમીનના સોદાના બહાને છેતરપિંડીનો આરોપ : ૨.૪૯ કરોડની રકમ પડાવ્યાનો ફરિયાદમાં આક્ષેપ : ગર્ભાવસ્થાના આધારે માંગેલા જામીન કોર્ટે ફગાવ્યા
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુનિસિપલ) કોર્ટ દ્વારા દીપાબેન આશિષભાઈ દેથરીયાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી સામે અંદાજે ૨,૪૯,૭૦,૧૦૧ની છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતના આક્ષેપો કરવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ આરોપીઓએ જમીનના સોદા અને દલાલીની લાલચ આપી ફરિયાદી તથા સાક્ષીઓનો વિશ્વાસ કેળવી વિવિધ રીતે રકમ મેળવી હતી. ફરિયાદમાં આરોપ છે કે ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડેલી રકમ, સોનાના દાગીના ગીરવે મૂકી મેળવેલી રકમ તથા વ્યક્તિગત લોનની રકમ સહિત કુલ ૨.૪૯ કરોડથી વધુની રકમ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી.
જામીન અરજી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપી ગર્ભાવસ્થાના ત્રીજા મહિનામાં છે અને કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતી નથી. બીજી તરફ સરકારી પક્ષે ગુનાની ગંભીરતા અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં રાખી જામીનનો વિરોધ કર્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે આરોપી સામે ગંભીર પ્રકારના આક્ષેપો છે અને ગુનામાં મહત્તમ ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કોઈ ગંભીર અથવા કટોકટીજનક આરોગ્ય સ્થિતિ દર્શાવવામાં આવી ન હોવાથી ગર્ભાવસ્થાના આધારે જામીન આપવાના પૂરતા કારણો જણાતા નથી.
કોર્ટ જામીન અરજી નામંજૂર કરતા રાજકોટ સેન્ટ્રલ જેલના જેલરને આરોપીની ગર્ભાવસ્થા સંબંધિત તબીબી તપાસ દર મહિને સિવિલ હોસ્પિટલમાં કરાવવાની સૂચના પણ આપી છે. આદેશ ૧૫ જૂન, ૨૦૨૩ના રોજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુનિસિપલ) રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.