બાલાજી ફેક્ટરી સામે જન આંદોલનનું એલાન!
પાણી બન્યું ઝેર; પ્રદુષિત પાણીથી 6 ગામના લોકો હવે લડી લેવાના મૂડમાં
- ■ સ્થાનિક અગ્રણીઓએ કહ્યું; બાલાજી વેફર્સ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે માત્ર દેખાડો કરે છે વાસ્તવિકતામાં ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યું છે
- ■ રાજકીય નેતાઓ ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં બાલાજી વેફર્સ દ્વારા પ્રદૂષણનો વિવાદ વધુ ઘેરાયો છે.રાજકોટની ન્યારી નદીમાં બાલાજી વેફર્સ દ્વારા દૂષિત પાણી છોડાતોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાલાજી વેફર્સના પ્રદૂષણના મામલે આસપાસના કથી વધુ ગામોને અસર થઈ હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.ન્યારી નદીમાં દૂષિત પાણી છોડાતો હોવાથી ફેક્ટરી પાછળનો વિસ્તાર પ્રદૂષિત બન્યાનો દાવો કરાયો છે. બાલાજી વેફર્સના પ્રદૂષણના કારણે ખેતી અને જમીનમાં જળસ્તરને ગંભીર અસર થઈ હોવાનો આસપાસના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.રાજકોટના હરિપર સહિત અનેક ગામો આ મુદ્દે પોલ્યુશન બોર્ડ, વહીવટી તંત્ર સામે ફરિયાદ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.દૂષિત પાણીનો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે બાલાજી વેફર્સ ફેક્ટરી સામે જનઆંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ખેડૂતો અને ભૂગર્ભ જળને અસરની ફરિયાદ
સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે.નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે. જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.