રાજકોટમાં શેઠ જયંતિલાલ ફુંડલિયા મેમોરિયલ કપ-2026 રીતે સંપન્ન
ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજનમાં ૨૭ ટીમોની જોરદાર ટક્કર
સીટી ન્યૂઝ@રાજકોટ
ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ અને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'શેઠ શ્રી જયંતિલાલ ફુંડલિયા મેમોરિયલ કપ-૨૦૨૬' ફૂટબોલ ટુર્નામેન્ટનો ઉત્સાહભેર અને ભવ્ય સમાપન થયો હતો. રેલવે લોકો કોલોની સ્થિત આધુનિક સુવિધાઓથી સજ્જ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં અંડર-૧૪ અને અંડર-૧૭ વિભાગની કુલ ૨૭ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતીકૌશલ્ય, ટીમ્વર્ક અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પ્રેક્ષકોની ભારે ઉપસ્થિતિ અને ઉત્સાહભેર પ્રોત્સાહન વચ્ચે રમાયેલી ગેમોએ સમગ્ર વાતાવરણને રોમાંચક બનાવી દીધું હતું. અંડર-૧૪ ફાઈનલમાં માસ્ટર FCએ YCCને ૨-૦થી હરાવી ચેમ્પિયનશિપ જીતી હતી, જ્યારે અંડર-૧૭ ફાઈનલમાં માસ્ટર FCએ TGS વાડીને ૧-૦થી પરાજય આપી ટ્રોફી પોતાના નામે કરી હતી. આમ માસ્ટર FCએ બંને વિભાગમાં ચેમ્પિયન બની ડબલ સિદ્ધિ મેળવી રાજકોટના ફૂટબોલ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. સમાપન સમારોહમાં વિજેતા અને રનર-અપ ટીમોને ટ્રોફી, મેડલ અને આકર્ષક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. બેન્કના સીઈઓ ડૉ. પુરુષોત્તમ પીપરીયાએ જણાવ્યું હતું કે રમતગમત યુવાનોમાં શિસ્ત, ટીમ્વર્ક, નેતૃત્વ અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવે છે અને આવી સ્પર્ધાઓથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ પ્રાપ્ત થાય છે. ટુર્નામેન્ટના સફળ આયોજનમાં બેન્કના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવાલા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર જુલીબેન પીપરીયા તેમજ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ દેલાવાળા, સેક્રેટરી રોહિત બુંદેલા સહિતના હોદ્દેદારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર આયોજન સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે પૂર્ણ થયું હતું.