જયેશ રાદડિયા મારા દીકરા સમાન : નરેશ પટેલ
ખોડલધામના પ્રણેતા નરેશ પટેલનો ન્યૂઝ રૂમને આપેલો વિશેષ ઈન્ટરવ્યુ
-
હર્ષ સંઘવી સાથેની મુલાકાત માત્ર શુભેચ્છા તેની પાછળ કોઈ રાજકીય હેતુ નથી
-
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સાથે તેમના મતભેદ હતા, મનભેદ નહોતા
ગુજરાતના પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ પ્રણેતા શ્રી નરેશ પટેલે તાજેતરમાં ન્યૂઝ રૂમ પોડકાસ્ટ પર આપેલા વિશેષ ઈન્ટરવ્યુમાં સંસ્થાના ભવિષ્યના આયોજનો તેમજ રાજકારણ અંગે ખુલ્લા મને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી સાથે થયેલી તેમની તાજેતરની મુલાકાત અંગે ઊભી થયેલી અટકળો પર સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી અને તેના પાછળ કોઈ રાજકીય હેતુ જોડાયેલો નથી. ખોડલધામ સંસ્થાના વિસ્તાર અંગે માહિતી આપતા નરેશભાઈએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં વસતા પાટીદાર સમાજ માટે સુરત ખાતે નવા ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ નવા કેન્દ્રો શરૂ કરવાની યોજના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખોડલધામ કોઈ એક જ્ઞાતિ પૂરતું સીમિત નથી, પરંતુ શિક્ષા, આરોગ્ય અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપતી પવિત્ર સંસ્થા છે અને તે ક્યારેય રાજકીય મંચ બનશે નહીં.
સંસ્થાના આંતરિક માળખામાં થયેલા ફેરફારો અંગે વાત કરતા તેમણે શ્રીમતી અનારબેન પટેલને પ્રમુખ તરીકે નિયુક્ત કરવાની પાછળના કારણો સમજાવ્યા. અનારબેન છેલ્લા ચાર વર્ષથી ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને મહિલાઓના પ્રશ્નોને ઊંડાણપૂર્વક સમજે છે. તેમના નેતૃત્વથી સંસ્થાના કાર્યોને વધુ ગતિ મળશે અને સંચાલન વધુ મજબૂત બનશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિમણૂકને લઈને કોઈ આંતરિક વિવાદ નથી અને સમાજે તેને સકારાત્મક રીતે સ્વીકાર્યો છે.
રાજકારણ અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા નરેશભાઈએ જણાવ્યું કે તેમને સીધા રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા નથી અને ભવિષ્યમાં તેમના પુત્ર શિવરાજ પણ રાજનીતિમાં જોડાશે નહીં. ગોંડલના રાજકારણમાં અન્ય વિવાદો પર મૌન તોડતા તેમણે જણાવ્યું કે સ્વ. વિઠ્ઠલભાઈ સાથે તેમના મતભેદ હતા, મનભેદ નહોતા, અને તેઓ જયેશ રાદડિયાને આજે પણ પોતાના દીકરા સમાન માને છે.
પોતાના જીવનના લક્ષ્યાંકો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એક વિશાળ કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવાનો છે, જ્યાં નો પ્રોફિટ, નો લોસના ધોરણે શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે.
આ ઉપરાંત, વર્ષ ૨૦૨૬માં ખોડલધામના ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આગામી ૨૧ જાન્યુઆરીએ ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ અને મહારસનું ભવ્ય આયોજન કરવામાં આવશે. અંતમાં તેમણે આજના યુવાનોને સંદેશ આપ્યો કે આધુનિક યુગમાં પ્રગતિ સાથે નૈતિકતા જાળવી રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે સાચી શાંતિ અને સંતોષ માત્ર સચ્ચાઈ અને સદાચારથી જ મળે છે.
- હું, મારા પુત્ર કોઈ રાજનીતિમાં જોડાશે નહીં
- વિશાળ કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવાનું સપનું કરાશે: જ્યાં નો પ્રોફિટ, નો લોસના ધોરણે શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ