Loading Please Wait !!!
જેલ કે મોબાઈલ શોપ?

મોરબી સબજેલમાં વધુ બે ફોન મળતા સુરક્ષાના ધજાગરા

સીટી ન્યૂઝ@મોરબી

મોરબી સબજેલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. ગિરીશ પંડ્યાની ટીમ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના જુદા જુદા બે વિસ્તારોમાંથી સીમકાર્ડ વગરના વધુ ૨ કીપેડ મોબાઈલ ફોન મળી આવતા સુરક્ષાના ધજાગરા ઉડ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જેલમાંથી ઝડપાયેલા કુલ મોબાઈલનો આંકડો ૬ પર પહોંચી ગયો છે. વારંવાર પ્રતિબંધિત વસ્તુઓ અને ફોન મળવા છતાં કોઈ કડક કાર્યવાહી ન થતા જેલ હવે મોબાઈલ શોપ કે ગુનેગારો માટે નેટવર્ક ચલાવવાનું આરામગૃહ બની ગઈ હોય તેવો ઘાટ સર્જ્યો છે. સાંજે ૫:૩૦ થી ૭:૦૦ વાગ્યા સુધી એચ એ બાબરીયા અને અન્ય સ્ટાફની હાજરીમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સર્કલ નંબર ૧ માં આવેલા મંદિરેની અંદર લટકાવેલી એક થેલીમાંથી ૧ કીપેડ વાળો ફોન મળ્યો હતો. જ્યારે સર્કલ નંબર ૨૨ ની બેરેક નંબર ૩ ની લોબીમાં ઈલેક્ટ્રિક બોર્ડના ઉપરના ભાગે વાયરીંગ પાછળ છુપાયેલો બીજો કીપેડ વાળો ફોન મળી આવ્યો હતો. ભગવાનના મંદિરની આડમાં પણ અહીં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. બંને ફોન ઝડપાયા બાદ જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક ત્યાં હાજર ૪૦ જેટલા કાચા કાગળ કેદીઓની આકરી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ એક પણ કેદીએ કબૂલાત કરી ન હતી. અંતે કાનૂજી સાંભડ દ્વારા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એચ આર જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. અગાઉ પણ જેલમાંથી ઝડપાયેલા ૪ મોબાઈલ અંગે ૩ ગુના નોંધાઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી એક પણ આરોપી પકડાયો નથી. સ્થાનિક તંત્રની આ નિષ્ફળતા અંદરના કર્મચારીઓની શંકાસ્પદ મિલીભગત તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.