Loading Please Wait !!!
ચોરીને અંજામ આપનાર ત્રણ સગીર સહિત સાત ઝડપાયા

કંસારા બજાર અને દીવાનપરામાં

પોલીસે રોકડ, વાસણો સહીત 5.12 લાખની ચોરીના બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના કંસારા બજાર અને દીવાનપરામાં થયેલી બે ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે એક દુકાનમાંથી ૧.૨૫ લાખની રોકડ સહીત ૪.૭૯ લાખની મતા અને એક દુકાનમાંથી ૩૬ હજારના વાસણોની ચોરી થતા બે ગુના નોંધાયા હતા પોલીસે ત્રણ સગીર સહીત ૭ શખ્સોની ધરપકડ કરી તમામ ૫.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટના રેસકોર્સ પાર્ક નજીક મારુતિનગરમાં રહેતા અને સોની દાસ શેઠ નામની જૂની પેઢીમાંથી રોકડ અને વાસણો સહીત ૪.૭૯ લાખની ચોરીની ઉપરાંત પંચનાથ પ્લોટમાં રહેતા વિકાસભાઈ પ્રવિણચંદ્ર કોઠારીએ તે દીવાનપરા સ્થિત જૂના મકાનમાંથી પિત્તળના ૩૬ હજારના વાસણો ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાવી હતી

બબ્બે ચોરીના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે એ ડિવિઝન પીઆઈ જે વી વાઢીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કનુભાઈ બસિયા અને ધર્મેશભાઈ પરમારને મળેલી બાતમી આધારે ચોરીમાં સંડોવાયેલા રણછોડદાસબાપુ આશ્રમ પાસે રહેતા અર્જુન ઉર્ફે ગોધરો પ્રતાપ બાંભણીયા, દેવપરાના પૃથ્વી ઉર્ફે જીગર ઉર્ફે જીગો સંજય ધાંધલપરીયા, કુબલિયાપરાના દિનેશ ઉર્ફે દિનો બાબુ બસાદીયા, કરણ ઉર્ફે તાંત્રીક તુલસી વહાણેઠીયા તેમજ ત્રણ સગીર સહીત સાતને ઝડપી લઈ ચોરીમાં ગયેલ રોકડ, વાસણો સહીત તમામ મુદ્દામાલ રિકવર કરી બંને ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે.