Loading Please Wait !!!
સરકારી તો ઠીક , ખાનગી શાળાઓમાં પણ 50% વિદ્યાર્થી પુસ્તકો વિના ભણે છે!

તોતિંગ ફી ભર્યા છતાં અધૂરું શિક્ષણ

  • ઊંચી ફી વસૂલતી શાળાઓમાં પાઠ્યપુસ્તકોનો અભાવ : વિદ્યાર્થીઓ ફોટોકોપી અને મોબાઈલના સહારે ભણવા મજબૂર

  • શાળા શરૂ થયાને અઠવાડિયા વીતી ગયા છતાં અડધાથી વધુ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચ્યા નહીં, વાલીઓમાં રોષ

  • તોતિંગ ફી છતાં મૂળભૂત શૈક્ષણિક સુવિધાઓ અધૂરી; પુસ્તકો વગરના ભણતરથી અભ્યાસની ગુણવત્તા પર અસર

સીટી ન્યૂઝ@રાજકોટ

ખાનગી શાળાઓમાં ઊંચી ફી ચૂકવતા હોવા છતાં વિદ્યાર્થીઓને પૂર્ણ શૈક્ષણિક સુવિધા મળી રહી નથી એવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. અનેક વિસ્તારોમાં હજુ પણ આશરે ૫૦ ટકા વિદ્યાર્થીઓ જરૂરી પાઠ્યપુસ્તકો વિના ભણતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. શાળા શરૂ થયાને ઘણા દિવસો વીતી ગયા છતાં પુસ્તકો સત્વરે ઉપલબ્ધ ન થતા વાલીઓમાં પણ અસંતોષ ફેલાયો છે.

માહિતી મુજબ, કેટલીક ખાનગી શાળાઓમાં પાઠ્યપુસ્તકનું વિતરણ મોડું થયું છે અથવા પૂરતું થઈ રહ્યું નથી. પરિણામે વિદ્યાર્થીઓને અધૂરા અભ્યાસક્રમ સાથે ક્લાસમાં બેસવું પડે છે. શિક્ષકો પણ પુસ્તકોના અભાવે યોગ્ય રીતે પાઠ ભણાવી શકતા નથી, જેના કારણે અભ્યાસની ગુણવત્તા પર સીધી અસર પડી રહી છે. વાલીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ સમયસર ફી ચૂકવે છે છતાં તેમના બાળકોને મૂળભૂત શૈક્ષણિક સાધનો પણ મળી રહ્યા નથી. “બાળકોને ફોટોકોપી કે મોબાઈલ પર આધાર રાખીને ભણવું પડે છે, જે લાંબા ગાળે નુકસાનકારક છે,” એમ એક વાલીએ જણાવ્યું.

શિક્ષણવિદોનું માનવું છે કે શાળા શરૂ થયા પહેલાં જ તમામ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવી એ શાળાઓની જવાબદારી છે. આ પ્રકારની બેદરકારી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. હાલ વાલીઓએ શિક્ષણ વિભાગને આ મામલે તાત્કાલિક દખલ કરવાની માંગ કરી છે અને ખાનગી શાળાઓ સામે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

પાઠ્ય પુસ્તક મંડળની જાહેરાત

ચાર દિવસમાં તમામ વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો આવશે

સીટી ન્યૂઝ@ગાંધીનગર

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછળ ન રહી જાય તે માટે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આગામી ૩ દિવસની અંદર રાજ્યના તમામ ધોરણના વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવાનું સત્તાવાર આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રીની ખાસ મુલાકાત બાદ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા યુદ્ધના ધોરણે વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં રોજના અંદાજે ૨૦થી ૨૫ લાખ જેટલા પુસ્તકો અલગ-અલગ વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે. આમ, ૩ દિવસમાં પુસ્તક વિતરણની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ વર્ષે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે. સરકારની મફત પાઠ્યપુસ્તક યોજના હેઠળ ધોરણ-૧થી ૮ના મફત યોજના હેઠળના તમામ પુસ્તકો શાળાઓમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે ધોરણ-૯થી ૧૨ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં મફત યોજના હેઠળના આશરે ૬૦ ટકા જેટલા પુસ્તકો પહોંચાડી દેવાયા છે. જ્યારે બાકી રહ્યા ૪૦ ટકા પુસ્તકો આગામી ૩ દિવસમાં શાળાઓ સુધી પહોંચે તેવું આયોજન હાથ ધરાયું છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાજ્યના ૧૦ જેટલા જિલ્લાઓમાં પુસ્તકો સંપૂર્ણપણે પહોંચાડી કરી દેવાયા છે. બાકી બચેલા તમામ જિલ્લાઓમાં પણ હાલ પુસ્તકોમાં કામગીરી ચાલી રહી છે અને આગામી ૭૨ કલાકમાં રાજ્યનો એક પણ વિદ્યાર્થી પુસ્તક વિના ન રહે તે દિશામાં તંત્ર રાત-દિવસ કામ કરી રહ્યું છે. આમ, હાલમાં પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનમાં રોજના ૪૦૦ ટન વજનના પુસ્તકોનો સ્ટોક આવી રહ્યો છે. રાજ્યની સ્કૂલોમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ધોરણ-૧ તથા ૨ના ૨૫૦ પુસ્તકો ગતવર્ષે પ્રથમ સત્ર શરૂ થયાના કેટલાક મહિના સુધી વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા ન હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ વર્ષથી બાલવાટિકા લઈને ધોરણ-૧ અને ૨ના પુસ્તકો પણ તૈયાર કરીને સ્કૂલોને મોકલવા માટેની જવાબદારી પાઠ્ય પુસ્તક મંડળને સોંપવામાં આવી હતી. જેના પગલે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ૫૦ લાખ જેટલા પુસ્તકો તૈયાર કરીને મોકલી દેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે અને બંને બાકી રહ્યા છેલ્લા પુસ્તકો પણ આગામી બે-ત્રણ દિવસમાં મોકલી દેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.