Loading Please Wait !!!
ખનીજ ‘માફિયારાજ’ AIIMS રોડ પર ચોરીનો ખેલ, તંત્ર ઘૂંટણિયે ?

  • નગ્ન નાચ; રિક્રેશન ઝોનમાં આડેધડ ખોદકામ શરૂ
  • કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને રજૂઆત છતાં કોઈ પગલા કેમ નહીં

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના વિકાસની જ્યાં ગાથાઓ ગવાઈ રહી છે, ત્યાં જ વિકાસના નામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. રાજકોટના AIIMS હોસ્પિટલ રોડ પર આવેલા રિક્રેશન ઝોનમાં કાયદાના ધજાગરા ઉડાડતું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અહીં ખુલ્લેઆમ, ધોળા દિવસે ભારેખમ JCB (એક્સકેવેટર) મશીનો અને ડમ્પરો લગાવીને આડેધડ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટનાસ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે સ્પષ્ટપણે ચીસ પાડી છે કે વરસાદી વાતાવરણમાં પણ આ માફિયાઓને કોઈ કાયદા કે પોલીસનો ડર નથી અને બેરોકટોક માટી અને પથ્થરનું ગેરકાયદેસર ખનન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આટલા મોટા પાયે ચાલી રહેલા આ ગેરકાયદેસર કામ પાછળ કોઈ મોટા માથાનો હાથ હોવાની પ્રબળ લોકચર્ચા

જાગી છે. સ્થાનિક સ્તરે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહામૂલી જગ્યા કોઈ મોટા રાજકીય નેતાએ પોતાના હસ્તક લઈ લીધી છે અને તેમના સીધા ઈશારે જ આ સમગ્ર ખેલ પાર પાડવામાં આવી રહ્યો છે. રાજકીય ઓથ અને આશીર્વાદ મળતા જ ખનીજ માફિયાઓને જાણે કોઈનું અસ્તિત્વ જ ન હોય તેમ તેઓ પર્યાવરણ અને રિક્રેશન ઝોનનો ખુલ્લેઆમ ખાતો બોલાવી રહ્યા છે.

કોના આશીર્વાદથી JCB અને ડમ્પરનો રાફડો ફાટ્યો : મંજૂરી કે પછી બધું લોલમલોલ ચાલી રહ્યું છે : કોંગ્રેસ

આ સમગ્ર કૌભાંડમાં સૌથી વધુ આશ્ચર્ય અને આઘાતજનક બાબત જિલ્લા વહીવટી તંત્રની સંદિગ્ધ ભૂમિકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જાગૃત નાગરિકો દ્વારા આ ગેરકાયદેસર ખનીજ ચોરી અને આડેધડ ખોદકામ અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ સ્પષ્ટ રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કે તપાસનો ધમધમાટ જોવા મળ્યો નથી.

તંત્રનું આ ભેદી મૌન અને આંખ આડા કાન કરવાની નીતિ અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. શું સ્થાનિક વહીવટી તંત્ર કોઈ રાજકીય દબાણ હેઠળ ઘૂંટણિયે પડી ગયું છે?

એક તરફ સરકાર પર્યાવરણ જાળવણી અને શહેરીજનો માટે રિક્રેશન ઝોનના વિકાસની મોટી મોટી વાતો ફરે છે, તો બીજી તરફ ખુદ નેતાઓ અને ખનીજ માફિયાઓની સાંઠગાંઠ આ કિંમતી જમીનોને કોરી ખાઈ રહી છે. જો ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ખોદકામ અટકાવવામાં નહીં આવે અને કસૂરવાર નેતાઓ તથા ખનીજ માફિયાઓ સામે કડક દાખલારૂપ પગલાં લેવામાં નહીં આવે, તો સામાન્ય જનતાનો કાયદા અને તંત્ર પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઊઠી જશે. હવે સૌની નજર એ વાત પર છે કે રાજ્ય સરકાર અને ગાંધીનગરના બાબુઓ આ ગંભીર મુદ્દે ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે!