સરકારને અલ્ટીમેટ ખેડૂત હિતનો નિર્ણય નહીં તો મહાપંચાયતનું એલાન!
- વરસાદમાં જેતપરમાં વોટરપ્રુફ ડોમ ઉભો કરી આંદોલન ચાલુ રહેશેનું એલાન
- ગુજરાત બહારના રાજ્યમાંથી ખેડૂતો ઉમટી પડશે
- તૈયારીઓ શર કરી દેવાઈ છે : વૈભવ અમૃતિયા
સિટી ન્યૂઝ@રાજકોટ
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો આજે ૧૬ મો દિવસ છે અને તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય ખેડૂતોની માંગણીઓ અંગે જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે હવે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા મહા પંચાયત માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આ આમરણાંત ઉપવાસ આંદોલનને ૧૬ દિવસ છે ત્યારે મોરબી જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે અને રોજ હજારોની સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ સહિતના લોકો ઉપવાસી છાવણીની મુલાકાતે આવતા હોય છે અગાઉ જે જગ્યા ઉપર ઉપવાસી છાવણી હતી તે જ જગ્યા ઉપર હવે ચોમાસુ અને વરસાદને ધ્યાનમાં રાખીને વોટરપ્રુફ ડોમ ઉભો કરવામાં આવ્યો છે અને વરસાદ આવે તો પણ આંદોલન ચાલુ રહે તે પ્રકારની લડી લેવા માટેની વ્યવસ્થા આંદોલનકારીઓ દ્વારા કરી લેવામાં આવી છે.
આજે માળિયા તાલુકાના છ ગામના ખેડૂતો બાઈક રેલી સાથે સવારે ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા તેવી જ રીતે માળિયાના સરવડ ગામેથી ખેડૂતો ટ્રેક્ટર સાથે ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું ખાસ કરીને જે રીતે ખેડૂતો ઉપર અગાઉ પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું અને હાલમાં ખેડૂતો ૧૬ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે તેમ છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોની જે ૬ માંગણી છે તે મુદ્દે શું કરવા ઈચ્છે છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, સરકારે વળતર માટેની કોઈ નવી નીતિ જાહેર કરી નથી જેથી દિવસેને દિવસે ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે.
આવતીકાલે હરિયાણાથી ખેડૂત આગેવાન ગુરુનામસિંહ ચઢુની જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે આવવાના છે અને હવે જો સરકાર દ્વારા નજીકના દિવસોમાં આ ખેડૂત આંદોલનને લઈને ખેડૂતોની વીજપોલના વળતર માટેની જે માંગણીઓ છે તેના માટે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતમાં ખેડૂત મહા પંચાયત બોલાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને આ ખેડૂત મહા પંચાયતમાં ન માત્ર ગુજરાતના જિલ્લાઓમાંથી પરંતુ ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.
- મોરબીના જેતપરમાં કાલે રાષ્ટ્રીય કિસાન અધ્યક્ષની મહાસભા
- ભારતીય કિસાન યુનિયનમાં રાષ્ટ્રીય ગુરનામસિંહ ચઢુની ગુજરાતમાં એન્ટ્રીથી રાજકીય હલચલ તેજ
મોરબીના જેતપુર મુકામે વીજ લાઈન પસાર કરવાના વિરોધમાં સ્થાનિક ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા અન્ન ત્યાગ આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરેથી મોટું સમર્થન મળવા જઈ રહ્યું છે. ખેડૂતોની આ ન્યાયિક લડતને વધુ ઉગ્ર અને વેગવંતી બનાવવા માટે ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના મુખ્ય નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂની ખાસ ઉપસ્થિત રહેવાના છે. શનિવારે રાત્રે ઉપવાસ છાવણી ગજવશે ગુરનામ સિંહ ચઢૂની મળતી માહિતી મુજબ, આગામી શનિવાર, તારીખ ૦૪/૦૭/૨૦૨૬ના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે જેતપુર ખાતે કાર્યરત ખેડૂતોની ઉપવાસ છાવણીમાં એક વિશેષ સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂની આંદોલનકારી ખેડૂતોની વચ્ચે હાજર રહીને તેમનો જુસ્સો વધારશે અને વીજ લાઈન સામેની લડતમાં આગળની રણનીતિ નક્કી કરશે. જેતપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના હક અને જમીનની રક્ષા માટે ચાલી રહેલા આ આંદોલનને મજબૂત કરવા માટે કિસાન સંગઠનો દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આસપાસના તમામ વિસ્તારના ખેડૂતો ભાઈઓને ન્યાયની આ લડતમાં સહભાગી થવા અને શનિવારે રાત્રે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.