Loading Please Wait !!!
ખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ 25 કરોડ માંગ્યાનો આરોપ

હકાભા ગઢવીનો વિસ્ફોટક દાવો

હકાભાએ કહ્યું; ખેડૂત અને આંદોલનની સમિતિના અન્ય સભ્યો નિર્દોષ આરોપો માત્ર નિલેશ એરવાડિયા સામે છે

સિટી ન્યૂઝ@રાજકોટ

હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત આંદોલન અને તેના નેતૃત્વને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેઓ કોઈ રાજકીય સ્વાર્થથી નહીં પરંતુ ખેડૂતોના હિત માટે આંદોલન સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું કે ૨૧ જૂનના રોજ નિલેશ એરવાડિયાના આમંત્રણ પર ડાયરામાં હાજરી આપી હતી અને ત્યારબાદ ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને બીજા દિવસે પણ આંદોલન સ્થળે પહોંચ્યા હતા.

હકાભા ગઢવીએ જણાવ્યું કે તેમના પર કેટલાક લોકોએ ભાજપ સાથે જોડાયેલા હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે, આંદોલનને નુકસાન ન થાય તે માટે તેમણે પોતાને થોડા સમય માટે દૂર રાખ્યા હતા. તેમના કહેવા મુજબ, બાદમાં નિલેશ એરવાડિયાએ તેમને વારંવાર આંદોલન સ્થળે ન આવવા જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હકાભા ગઢવીએ સૌથી ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે સરકાર સાથે બેઠક માટે નિલેશ એરવાડિયાએ ૨૫ કરોડની માંગણી કરી હતી અને તેમાં ૨ કરોડ એડવાન્સ આપવાની પણ વાત કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે તેમને વ્યક્તિગત રીતે ૧ કરોડ આપવાની ઓફર કરવામાં આવી હતી. આ વાત સાંભળ્યા બાદ આખી રાત ઊંઘ ન આવી હોવાનું તેમણે જણાવ્યું.

હકાભા ગઢવીના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટનાના પુરાવા એકત્ર કરવા માટે તેમણે નિલેશ એરવાડિયાને વોટ્સએપ કોલ કર્યો હતો, જેનું રેકોર્ડિંગ તેમના પુત્રએ કર્યું હતું. તેમના દાવા અનુસાર, આ રેકોર્ડિંગમાં સરકાર સાથે મુલાકાત પહેલાં ૨ કરોડ લેવાની વાતચીત સંભળાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખેડૂતો અને આંદોલનની સમિતિના અન્ય સભ્યો નિર્દોષ છે અને તેમના આક્ષેપો માત્ર નિલેશ એરવાડિયા સામે છે. હકાભા ગઢવીએ એવો પણ દાવો કર્યો કે આંદોલન બગડી ન જાય તે માટે અત્યાર સુધી તેઓ મૌન રહ્યા હતા. પરંતુ સરકારે નિર્ણય જાહેર કર્યા બાદ હવે સત્ય લોકો સમક્ષ મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રેસ કોન્ફરન્સના અંતે હકાભા ગઢવીએ પોતાના અને પરિવારની સુરક્ષા માટે રાજ્ય સરકાર પાસે સુરક્ષા આપવાની માંગ કરી હતી. સાથે જ ખેડૂતોને અપીલ કરી હતી કે ભવિષ્યમાં કોઈને આગેવાન બનાવતા પહેલાં તેની વિશ્વસનીયતા અને કાર્યપદ્ધતિની સારી રીતે ચકાસણી કરવી જોઈએ.

  • ખેડૂતોએ નિલેશ એરવાડિયાને આંદોલન છાવણીમાંથી હટાવ્યા !
  • જેતપર 2 કરોડ વાયરલ ઓડિયો વિવાદ
  • નિલેશ એરવાડિયાએ કરી FSL ટેસ્ટની માંગ

મોરબીના જેતપર ગામે વીજ પોલના વળતર મુદ્દે ચાલતા ખેડૂત આંદોલનમાં ૨ કરોડના કથિત સોદાની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ વિવાદે ભયંકર રૂપ ધારણ કર્યું છે. લોક સાહિત્યકાર હકાભા ગઢવી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો સામે હવે ઉપવાસ છાવણી પર બેઠેલા આગેવાન નિલેશ એરવાડિયાએ મૌન તોડ્યું છે અને તંત્ર સામે મોટી માંગણી મૂકી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ, જેમાં હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયા વાતચીત કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેને લઈને હવે નિલેશ એરવાડિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે માંગ કરી છે કે આ વાયરલ ઓડિયો ક્લિપને તાત્કાલિક FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં ટેસ્ટ માટે મોકલવામાં આવે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. અગાઉ હકાભા ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઉપવાસ છાવણી પર આવતા રોકવામાં આવ્યા હતા, જે બાદ ૨ કરોડના કથિત સોદાની ક્લિપ બહાર આવી હતી. આ વિવાદને પગલે હળવદમાં હકાભા ગઢવીના નિવાસસ્થાને પોલીસનો કડક પહેરો ગોઠવી દેવાયો છે.