ખેડૂતોના હિતમાં બોલશો તો ભાજપ રેડ પાડશે!
- આપ પ્રમુખ ઈસુદાન ગઢવીના આરોપ
- ભાજપ ખેડૂતોની નહીં, કંપનીઓની સરકાર: ગઢવી
સિટી ન્યૂઝ@ગાંધીનગર
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મને સાંભળવા મળ્યું છે કે, ખેડૂતોના સમર્થનમાં એક મંત્રીના ભાઈ આવ્યા, તો તેમના ત્યાં પણ રેડ પડી. રેડ તો પાડવાની કારણ કે ભાજપ ખેડૂતોની થોડી છે? ભાજપ તો કંપનીઓ માટે કામ કરે છે. એ તો આપણે ખેડૂતો ભોળા છીએ કે જેઓ જાતિ-જ્ઞાતિ આધારે કમળ પર બટન દબાવીએ છીએ.
ખેડૂતો વિચારે છે કે “માય મામા ઊભા છે, કાકા ઊભા છે, બનેવી ઊભા છે” એ આધારે બટન દબાવીએ છીએ. ભાજપ તો કંપનીઓ માટે છે, તો એ એની રીતે બરાબર કરી રહ્યું છે કારણ કે કંપનીઓના ભાઈબંધો જ વિધાનસભામાં બેઠા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિચાર જેવી વાત છે કે મંત્રીના ભાઈ ખેડૂતોના સમર્થનમાં આવ્યા અને મોરબી જેતપરમાં એમના ત્યાં ફેક્ટરીઓમાં રેડ પડી. રેડ તો પાડવાની કારણ કે ભાજપ ખેડૂતોની થોડી છે? ભાજપ તો કંપનીઓ માટે કામ કરે છે. એ તો હવે હદ થઈ ગઈ. મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ ખેડૂતો, ખેત મજૂરો, મહિલાઓ, નાના વેપારીઓ, યુવાનો, આઉટસોર્સિંગના કર્મચારીઓ, આશા વર્કર બહેનો સહિત તમામ લોકો જાગશે.
- ઈટાલિયાના સનસનીખેજ આક્ષેપ
- પાટીદાર આંદોલનના ગોળીબાર પાછળનો જનરલ ડાયર કોણ?
- ગોપાલ ઈટાલિયાએ કહ્યું સરકારને સમર્થન આપતા યુવાનો સામે કાર્યવાહી કેમ
સિટી ન્યૂઝ@ગાંધીનગર
અમદાવાદમાં વર્ષ ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ ગોળીબારના મુદ્દે ફરી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પાટીદાર આંદોલન દરમિયાન થયેલી કાર્યવાહી અને તત્કાલીન પરિસ્થિતિને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે પાટીદાર સમાજના યુવાનો પોતાની માંગણીઓને સરકાર સુધી પહોંચાડવા માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા અને મહિનાઓ સુધી હિંસા કે ઉશ્કેરાટ વગર પોતાની વાત રજૂ કરી રહ્યા હતા.
ઈટાલિયાએ જણાવ્યું કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી શાંતિપૂર્ણ સભા પૂર્ણ થયા બાદ લાઠીચાર્જ અને ત્યારબાદ ગોળીબારની ઘટના બની હતી, જેમાં ૧૪ લોકોના મોત થયા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સરકારને સમર્થન આપતા અને ચૂંટણી દરમિયાન સક્રિય રીતે કામ કરતા યુવાનો સામે આવી કાર્યવાહી કેમ કરવામાં આવી. ગોપાલ ઈટાલિયાએ તાજેતરમાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોડા મોડા પણ સત્ય સામે આવી ગયું છે. તેમણે આ સમગ્ર ઘટનાના પાછળ કોઈ જનરલ ડાયર જેવી માનસિકતા ધરાવતા વ્યક્તિનો હાથ હોવાનો આક્ષેપ કર્યો અને સવાલ કર્યો કે તત્કાલીન મુખ્યમંત્રીની જાણ બહાર પોલીસ અધિકારીઓને ગોળીબારના આદેશ કોણે આપ્યા હતા. ઈટાલિયાને પૂછવામાં આવ્યું કે તેમના મતે આ જનરલ ડાયર કોણ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે હાર્દિક પટેલ તે સમયે જે વાત કરતા હતા, તે જ આજે પણ પ્રાસંગિક છે. વધુ પૂછપરછમાં તેમણે કહ્યું કે હું અને હાર્દિક પટેલ એક જ વાત કહી રહ્યા છીએ. જોકે, તેમણે કોઈ વ્યક્તિનું નામ જાહેર કરવાનું ટાળ્યું અને કહ્યું કે અમારી સરકાર બનશે ત્યારે ખુલ્લેઆમ નામ જાહેર થશે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.