Loading Please Wait !!!
કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન હવે ચૂંટણી નહીં લડું !

સમાજ મને કોળી સમાજનું પ્રમુખપદ સર્વસંમતિથી સોંપશે તો જ હું સ્વીકારીશ

સીટી ન્યૂઝ@રાજકોટ

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આજે રાજકોટ આવી પહોંચ્યા હતા, જેમાં બે સૌથી મોટા અને સંવેદનશીલ મુદ્દાઓ અંગે મહત્વની જાહેરાતો કરી હતી. એકતરફ તેઓએ સમગ્ર સૌરાષ્ટ્રના જનજીવન અને ખેતીને સીધી અસર કરતા પાણીના ગંભીર પ્રશ્ન પર સરકારના એક્શન પ્લાનની વિગતો આપીને લોકોને મોટું આશ્વાસન આપ્યું હતું. બીજીતરફ છેલ્લા ઘણા સમયથી ભારે વિવાદો અને ચર્ચાઓના કેન્દ્રમાં રહેલા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદની ખેંચતાણ અંગે પોતાની રાજકીય અને સામાજિક સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી હતી. અને જણાવ્યું કે, કોળી સમાજ સર્વસંમતિથી પ્રમુખ પદ સોંપશે તો જ હું સ્વીકારીશ, ચૂંટણી નહીં લડું. મંત્રીના આ સત્તાવાર નિવેદનના કારણે સમગ્ર રાજ્યના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી અખિલ ભારતીય કોળી સમાજના સર્વોચ્ચ અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા આંતરિક વિવાદો, જૂથબંધી અને ખેંચતાણ મામલે પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તમામ અટકળોનો અંત આણતું મોટું નિવેદન આપ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હું કોઈ નવો ચહેરો નથી, હું અગાઉ પણ અખિલ ભારતીય કોળી સમાજમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી સફળતાપૂર્વક અને ગૌરવપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યો છું. બંધારણીય અને વર્તમાન વહીવટી પરિસ્થિતિ મુજબ હજુ આગામી ૭ મહિના સુધી હું આ પદ પર સત્તાવાર રીતે રહેવાનો છું. આ નિર્ધારિત ૭ મહિનાના મર્યાદિત કાર્યકાળ દરમિયાન સમાજના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે લોકશાહી ઢબે મજબૂત કરવા માટે ઈલેક્શન, સિલેક્શન અને નવી સત્તાવાર મતદાર યાદી તૈયાર કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ મારા સીધા માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવશે. અધ્યક્ષ પદની આગામી ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા કરતા કુંવરજી તેમણે કહ્યું કે, મારા કાર્યકાળમાં જે નવી અને સુધારાવાળી મતદાર યાદી તૈયાર થવાની છે, તેના આધારે હું પોતે ભવિષ્યમાં કોઈ ચૂંટણી લડવાનો નથી. જો સમગ્ર કોળી સમાજના આગેવાનો, વડીલો અને કાર્યકરો એકતા બતાવીને, કોઈ પણ પ્રકારના આંતરિક વિખવાદ વગર સર્વસંમતિ (બિનહરીફ) મને ફરીથી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપશે, તો જ હું સમાજના હિતમાં તેનો સ્વીકાર કરીશ. જો સમાજમાં ખેંચતાણ હશે તો હું સામેથી કોઈ ચૂંટણી લડવા કે પદ મેળવવા માટે દાવેદારી કરવાનો નથી.

કુંવરજી બાવળિયા ન લડે તો ‘આપ’ના બ્રિજરાજ સોલંકી તે વિસ્તારમાં હોટ ફેવરીટ?

જસદણમાં 2027માં ભાજપમાંથી કોળી કા પાટીદાર ઉમેદવાર હશે?

 

જસદણ વિધાનસભા બેઠકમાં ૨૦૨૭ની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલના ધારાસભ્ય કુંવરજી બાવળિયા દ્વારા ચૂંટણી નહીં લડવાની સંભાવના વ્યક્ત થતાં રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બાવળિયાની ગેરહાજરીમાં હવે પ્રશ્ન ઉભો થયો છે કે ભાજપમાંથી આગામી ઉમેદવાર કોણ રહેશે અને કયા સમાજના ગત જીતનો ફેંસલો કરશે.

સમાજના મતનું ગણિત, કોણ છે કિંગમેકર? જસદણમાં સમાજ પ્રમાણે અંદાજિત વિભાજન આ પ્રમાણે માનવામાં આવે છે.

  • કોળી સમાજ -- અંદાજે ૩૮% થી ૪૦% (સૌથી મોટો વર્ગ)

  • પટેલ/પાટીદાર -- અંદાજે ૧૮% થી ૨૦%

  • અન્ય OBC (રબારી, ભરવાડ, દરબાર) અંદાજે ૧૫% થી ૨૦%

  • મુસ્લિમ + અન્ય અંદાજે ૮% થી ૧૦%

  • SC વર્ગ -- આશરે ૫% જસદણ તાલુકાની કુલ વસ્તી પણ લાખોમાં છે અને ગામડાં વિસ્તાર વધારે હોવાથી સ્થાનિક સમાજનો પ્રભાવ વધારે રહે છે.