Loading Please Wait !!!
કુપોષણ સામે સરકાર નિષ્ફળ: 35% બાળકોનો વિકાસ રૂંધાયો

NFHS-6 ના રિપોર્ટને ટાંકીને AAP નેતા ડો. કરન બારોટે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

સિટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાતમાં બાળકોના આરોગ્ય અને પોષણને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. AAP ના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે એક પત્રકાર પરિષદ યોજીને, તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા NFHS-6 ના ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા અને સરકારની પોષણ યોજનાઓને સંતર નિષ્ફળ ગણાવી હતી. ડો. બારોટે જણાવ્યું હતું કે, સરકાર કુપોષણ દૂર કરવાના નામે ખર્ચ વધારી રહી છે, પરંતુ બાળકોનું વજન વધતું નથી. NFHS-6 રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ૫ વર્ષથી નાની ઉંમરના સરેરાશ ૩૫.૫ ટકા બાળકોની ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં વધી નથી (શહેરોમાં ૨૮.૨ ટકા, ગામડાઓમાં ૩૯.૫ ટકા). જ્યારે ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન ધરાવતા (કુપોષિત) બાળકો સરેરાશ ૨૦ ટકા છે. આ ઉપરાંત, શહેરોમાં ૩.૮ ટકા અને ગામડામાં ૬.૩ ટકા બાળકો ગંભીર રીતે કુપોષિત છે. અંડરવેઇટ બાળકોની સંખ્યા પણ શહેરોમાં ૨૭.૨ ટકા અને ગામડાઓમાં ૪૦.૫ ટકા જેટલી ઊંચી છે.

આક્ષેપ કરતા તેમણે કહ્યું કે ડબલ એન્જિનની સરકારમાં વિકાસ માત્ર કાગળ પર છે. છેલ્લા ૨ વર્ષમાં કુપોષિત બાળકોના આહાર પાછળ ૧૦૦0 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પ આહાર યોજના, દૂધ સંજીવની યોજના, સુખડી યોજના અને મિશન આંગણવાડી પોષણ ૨.૦ જેવી અનેક યોજનાઓ છતાં ૦ થી ૫ વર્ષના ૫.૭૦ લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ કરોડો રૂપિયા ખરેખર બાળકો સુધી પહોંચ્યા છે કે પછી વચેટિયાઓ અને મળતિયાઓનું પોષણ થયું છે? કુપોષણમુક્ત ગુજરાતની જગ્યાએ ભ્રષ્ટાચારયુક્ત સરકાર બની ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર દ્વારા ૨૪ કરોડના ખર્ચે કુપોષણ માપવા AI સિસ્ટમ લાગુ કરવાની વાતને ડો. બારોટે હાસ્યાસ્પદ ગણાવી કહ્યું કે બાળકોના ભૂખ્યા પેટને માપવા AI નહીં પણ સાચા આહારની જરૂર છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. AAP એ માંગ કરી છે કે કુપોષણને તાત્કાલિક ઇમરજન્સી જાહેર આરોગ્ય સમસ્યા ઘોષિત કરવામાં આવે. સરકારે પોતાની નિષ્ફળતા સ્વીકારીને શ્વેતપત્ર જાહેર કરી ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ કે કરોડોના ખર્ચ છતાં ગુજરાત કુપોષણમુક્ત કેમ નથી બની શક્યું.