Loading Please Wait !!!
રાજકોટ શરમજનક રેન્કિંગમાં મહિલા અત્યાચારમાં દેશમાં છઠ્ઠા ક્રમે!

  • જનજાગૃતિના 81 કાર્યક્રમો યોજાયા : ઘરેલુ હિંસાના કેસમાં ગુજરાતમાં રાજકોટ બીજા ક્રમે
  • સખી સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 437 પીડિત મહિલાઓને કાયદાકીય અને વહીવટી સહાય

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ઘરેલુ હિંસા અને અન્ય અત્યાચારોનો ભોગ બનેલી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ સંસ્થા પીડિત મહિલાઓને કટોકટીના સમયે પોલીસ સહાય, તબીબી સારવાર, કાનૂની માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને ૫ દિવસ સુધીનો હંગામી આશ્રય એક જ છત નીચે વિનામૂલ્યે પૂરો પાડે છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે ઘરેલુ હિંસા અને મહિલા અત્યાચારના કેસમાં મેળવવામાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે અને સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યું છે. રાજ્યભરમાં આ મામલે પ્રથમ ક્રમે સુરત, બીજા ક્રમે રાજકોટ, ત્રીજા ક્રમે આણંદ અને ચોથા ક્રમે ગાંધીનગર આવેલું છે.

રાજકોટના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં ૪૩૭ કેસમાં પીડિત મહિલાઓને વિવિધ પ્રકારની કાયદાકીય અને વહીવટી મદદ પૂરી પાડવામાં આવી છે. તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને મિશન શક્તિ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિ તેમજ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર યોજનાની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજકોટ જિલ્લામાં વિભાગ દ્વારા આયોજિત ૮૧ જેટલા જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી આશરે ૪૩૦૫ જેટલી મહિલાને જાગૃત કરવામાં આવી છે. વધુમાં, ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરે ખાસ કરીને આત્મહત્યાના વિચાર કરતા મહિલાઓ સાથે સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવા જણાવ્યું હતું. આ તકે ૧૮૧ અભયમ હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટર તુષાર ભેરવાએ કહ્યું કે, રાજકોટમાં કુલ પાંચ મહિલા હેલ્પલાઈન વાન કાર્યરત છે. આ સેવા દ્વારા વર્ષ ૨૦૨૪માં કુલ ૧૪૭૯ જેટલા અલગ અલગ કિસ્સામાં મહિલાઓને મદદ પહોંચાડવામાં આવી છે.

181 અભયમથી 1,479 મહિલાઓને સહારો

રાજકોટ જિલ્લામાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની પાંચ વાન દ્વારા ચાલુ વર્ષે ૧,૪૭૯ મહિલાઓને ઘરેલુ હિંસા, માનસિક તણાવ અને અન્ય સંકટની પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં આત્મહત્યાના વિચારો ધરાવતી મહિલાઓ સાથે વધુ સંવેદનશીલ અભિગમ અપનાવવા પણ સૂચના આપવામાં આવી હતી.