Loading Please Wait !!!
મનપાની 15 સમિતિઓ માટે કોર્પોરેટરોની પાવરગેમ શરૂ !

=> સત્તા માટે સંઘર્ષ; આગામી સપ્તાહે સમિતિના ચેરમેનોના નામ જાહેર થશે

=> ગોડફાધરોના શરણે પહોંચ્યા નેતાઓ

=> સમિતિઓમાં ચેરમેન પદ મેળવવા નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું

=> રાજકીય આકાઓ મારફતે છેક ગાંધીનગર સુધી દબાણ લાવવાના પ્રયાસો

=> જાહેર પરિવહન, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ અને ખાડી સમિતિ જેવી પેટા સમિતિઓ પણ મહાનગરપાલિકાના વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

=> ચેરમેન બનવા પાટીદાર મહિલા કોર્પોરેટર પ્રમુખ સાથે રકઝક કરી ?

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં ટોચના પદાધિકારીઓની યાદી જાહેર થયા બાદ હવે આંતરિક રાજકારણનો બીજો તબક્કો શરૂ થયો છે. આગામી સપ્તાહમાં રાજકોટ મનપાની સામાન્ય સભા મળવા જઈ રહી છે, જેમાં વિવિધ ૧૫ જેટલી સમિતિઓના અધ્યક્ષ (ચેરમેન), ઉપાધ્યક્ષ અને સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સમિતિઓમાં ચેરમેન પદ મેળવવા માટે કોર્પોરેટરોએ એડીચોટીનું જોર લગાવ્યું છે અને પોતાના રાજકીય ગોડફાધરોના શરણે પહોંચી ગયા છે. મનપામાં વહીવટી અને નાણાકીય દ્રષ્ટિએ આ સમિતિઓનું કદ ખૂબ મોટું હોય છે. જેમાં મુખ્યત્વે બાંધકામ સમિતિ, એસ્ટેટ મેનેજમેન્ટ, લાઈટિંગ, કાયદો અને નિયમો, માર્કેટ, ડ્રેનેજ, બાગ બગીચા અને ઝૂ, શિશુ કલ્યાણ, માધ્યમિક શિક્ષણ, વોટર વર્ક્સ, ટાઉન પ્લાનિંગ, આરોગ્ય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સમાજ કલ્યાણ અને સેનીટેશન સહિતની ૧૫ સમિતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાહેર પરિવહન, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ અને ખાડી સમિતિ જેવી પેટા સમિતિઓ પણ મહાનગરપાલિકાના વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવાની રેસમાં પછડાટ ખાનારા સિનિયર કોર્પોરેટરો હવે આ ૧૫ સમિતિઓમાં અધ્યક્ષ બનવા માટે મેદાને પડ્યા છે. ચેરમેન પદ માટેની આ પાવરગેમમાં રાજકીય આકાઓ મારફતે છેક ગાંધીનગર સુધી દબાણ લાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ચેરમેન બનવા માટે એક પાટીદાર મહિલા કોર્પોરેટરે શહેર પ્રમુખ સાથે રકઝક પણ કરી હતી. હવે આગામી સપ્તાહે જાહેર થનારા નામોમાં ક્યા જૂથનું પલ્લું ભારે રહે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

કઈ સમિતિઓ છે ? 
(1) બાંધકામ સમિતિ (6) ડ્રેનેજ સમિતિ (11) ટાઉન પ્લાનિંગ સમિતિ
(2) એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ (7) બાગ બગીચા અને ઝૂ સમિતિ (12) આરોગ્ય સમિતિ
(3) લાઈટિંગ સમિતિ (8) શિશુ કલ્યાણ સમિતિ (13) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સમિતિ
(4) કાયદો અને નિયમોની સમિતિ (9) માધ્યમિક શિક્ષણ સમિતિ (14) સમાજ કલ્યાણ સમિતિ
(5) માર્કેટ સમિતિ (10) વોટર વર્ક્સ સમિતિ (15) સેનીટેશન સમિતિ