માસુમ પર હેવાનિયત શિક્ષિકાએ તાવીથાથી ડામ દીધા!
લખતો ન હોવાથી આચરેલું હેવાનિયત ભર્યું કૃત્ય
રેલનગરમાં શ્યામકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં ઘટના બનતા પોલીસ ફરિયાદ થઈ
ઠપકો આપવા ગયેલા કાકા ઉપર લાજવાને બદલે ગાજ્યા કહ્યું થાય તે કરી લ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં ફક્ત ચાર વર્ષના માસુમ બાળક પર શિક્ષિકાની ક્રૂરતા સામે આવી છે. ટ્યુશનમાં ગયેલો માસુમ બાળક લખતો ન હોય શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક બાળકને ડામ આપ્યો હતો. બાદમાં બાળક સાથે બર્બરતા આચર્યા પાછળનું કારણ પૂછવા ગયેલા કાકા સાથે પણ શિક્ષિકાએ બોલાચાલી કરી હતી. સમગ્ર મામલે પ્ર.નગર પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે રાજકોટમાં રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ ફ્લેટ નં.સી-૫૦૮ માં રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગ કરતા ૩૬ વર્ષીય યુવાન વિશાલભાઈ હરેશભાઈ યાદવે આરોપી તરીકે શિક્ષિકા નિરાલીબેન અશ્વિનભાઈ (રહે. રેલનગર, શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ ઈ-૪૦૮, સનરાઈઝ સ્કુલની બાજુમાં,રાજકોટ)નું નામ આપતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તે રીક્ષા લઈ ઘરે પહોંચેલ હતો. દરમિયાન આશરે આઠ વાગ્યે ભાભી ગાયત્રીબેન ધર્મેશભાઈ યાદવએ વાત કરેલ કે, મારો દીકરો કશ્યપ (ઉ.વ.૪) આપણા ઘર નજીક રહેતા નીરાલીબેનના ઘરે ટ્યુસનમાં ગયેલ હતો. જ્યાં શિક્ષિકા નીરાલીબેને તેને ડાબા પગના સાથળ ઉપર તાવીથો ગરમ કરી ડામ દીધેલ છે. જેથી આ બાબતે નીરાલીબેનના ઘરે ઠપકો આપવા ગયેલ હતો.
નીરાલીબેનને પુછેલ કે, આ નાના દીકરાને કેમ ડામ આપેલ છે? જે સાંભળી નિરાલીબેન એકદમ ઉશ્કેરાય ગયેલ અને કહેલ કે, છોકરો લખતો ન હતો જેથી આવુ કરેલ છે, તેમ છતા તમારે જે કાઇ કરવુ હોય તે કરી લો તેમ કહી જેમફાવે તેમ બોલવા લાગેલ હતા. શિક્ષિકા નીરાલીબેને ચાર વર્ષના માસુમ બાળકને તાવીથા વડે ડામ આપતાં કાકા સહિતના બાળકને સારવાર અર્થે ખસેડ્યો હતો. બીજી બાજુ સમગ્ર મામલે પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
(જમણી બાજુનો લેખ)
રાજકોટમાં ૪ વર્ષના બાળકને ગરમ તાવીથી ડામ આપવાના બનાવે શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા
ખાનગી કોચિંગ ક્લાસીસ પર સરકારની ઢીલી નીતિ બાળકો માટે જોખમી: રોહિત રાજપૂત
રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રેલનગરમાં ટ્યુશન માટે ગયેલા માત્ર ૪ વર્ષ અને ૬ મહિનાના માસૂમ બાળકને અક્ષર ન લખતાં ટ્યુશન ચલાવતી મહિલાએ ગરમ તાવીથી ડામ આપ્યાની ઘટનામાં કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ કે આ ઘટના સમાજને હચમચાવી નાખે તેવી છે. શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં આવી ક્રૂરતા કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. રાજપૂતે વધુમા કહ્યું કે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય વિશ્વાસ, પ્રેમ અને સંસ્કાર સાથે જોડાયેલું છે. પરંતુ શિક્ષણના નામે બાળક પર શારીરિક અત્યાચાર કરવામાં આવે તે અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે. જસદણના આદ્યા વિદ્યાલયમાં મેનેજમેન્ટની બેદરકારીના કારણે બાળકીનું મોત, રાજકોટના હરિદ્વાર રોડ પર આવેલા પટેલ ક્લાસીસમાં બાળકને પાઇપ વડે માર મારવાની ઘટના અને હવે આ બનાવ દર્શાવે છે કે ખાનગી કોચિંગ ક્લાસીસ પર અસરકારક નિયંત્રણનો ગંભીર અભાવ છે.
કોંગ્રેસની માંગણીઓ
-
ખાનગી કોચિંગ ક્લાસીસ માટેની નીતિ તાત્કાલિક જાહેર કરવામાં આવે.
-
તમામ કોચિંગ ક્લાસીસનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને નિયમિત નિરીક્ષણ કરવામાં આવે.
-
Child Safety Protocol અને Child Protection Policy ફરજિયાત અમલમાં મૂકવામાં આવે.
-
બાળકો પર અત્યાચાર કરનાર સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
-
ફી અને સંચાલન અંગે પારદર્શક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
-
બાળ અધિકાર સુરક્ષા આયોગ અને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ હાથ ધરવામાં આવે.