પ્રેમ કરવો પાપ નથી: નરેશ પટેલ
- જન્મદિવસે પ્રેમ અને પ્રેમલગ્નને લઈ સૂચક નિવેદન આપ્યું
- માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન થાય એ ખૂબ મહત્વની વાત છે: મંજૂરી આપે તો જ આગળ વધવું જોઈએ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ
- સિંગરોને પણ કહ્યું, લત્તા મંગેશકરને આઈડોલ બનાવો એટલે પ્રશ્ન નહીં રહે
સીટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સિંગરો દ્વારા કરવામાં આવેલા પ્રેમલગ્ન પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસે પ્રેમ અને પ્રેમલગ્નને લઈ સૂચક નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે કહ્યું કે, પ્રેમ કરવો એ પાપ નથી. પરંતુ, લગ્ન માતાપિતાની સહમતીથી થાય એ જરૂરી છે. ખાસ કરીને સિંગર મુદ્દે કહ્યું કે, સિંગર હોય તો તેને લત્તા મંગેશકરને આઈડોલ બનાવવા જોઈએ, જેથી કોઈ પ્રશ્ન નહીં રહે. ભાવનગરની પ્રિયા મોરડીયા, સુરતની આરતી સાંગાણી, સુરતની રિદ્ધિ રાજપરા, કિંજલ દવે, કિંજલ રબારી અને કાજલ મહેરિયાના પ્રેમસંબંધ, મૈત્રીકરાર અને પ્રેમલગ્નના કારણે સામાજિક લેવલે અને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ હોય રાજકોટમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી.
આ સમયે મીડિયા સાથેની વાતચીત દરમિયાન લવમેરેજને લઈ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પ્રેમ કરવો એ ગુનો નથી. પરંતુ, કોની સાથે લગ્ન કરવા એ માતાપિતાની સહમતીથી થાય તે જરૂરી છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર સિંગર નહીં પણ દરેક ફિલ્ડમાં કામ કરતી દીકરીઓ માટે આ પ્રશ્ન ચિંતાજનક છે.
નરેશ પટેલના પણ લવમેરેજ થયેલા છે
લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલે લવ-મેરેજ કર્યા છે. શાલિનીબેન હરિયાણાના જૈન પરિવારનાં દીકરી છે. કોલેજમાં અભ્યાસ વખતે જ નરેશ પટેલને શાલિનીબેન સાથે પ્રથમ નજરમાં પ્રેમ થઈ ગયો હતો. બંને છેલ્લી બેન્ચ જ બેસતાં, ૧૯૮૪માં બંનેએ લવ-મેરેજ કર્યા હતાં. નરેશ પટેલને ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ બાદ ત્રણ ડિફેન્સ વિંગમાંથી કોઈપણ એક વિંગમાં જવાની ઈચ્છા હતી, જેમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે, પરંતુ પિતાનો આદેશ આવ્યો કે કારખાનું સંભાળી લો અને નરેશ પટેલે પિતાની વાત માની.