નરેશભાઈ પટેલના જન્મદિવસે 100 થી વધુ સ્થળે સેવાજ્ઞ
- મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારો રક્તદાતાઓ જોડાયા; વૃક્ષારોપણ, ભોજન સેવા, ગૌસેવા અને સર્વરોગ નિદાન કેમ્પ સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા
સીટી ન્યૂઝ@રાજકોટ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલનો ૬૧મો જન્મદિવસ શનિવારે સેવાકીય પ્રવૃત્તિઓના મહાપર્વ તરીકે ઉજવાયો હતો. વર્ષોથી જન્મદિવસ સમાજસેવાને સમર્પિત કરનાર નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સહિત ગુજરાત અને રાજ્ય બહાર ૧૦૦થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત વૃક્ષારોપણ, ભૂખ્યાઓને ભોજન, ગાયોને ઘાસચારો અને સર્વરોગ નિદાન કેમ્પ સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. દિવસભર યોજાયેલા કેમ્પમાં હજારો રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવામાં યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ૩ દાયકાથી તેમના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ સેવાજ્ઞમાં હજારો લોકો જોડાયા છે. તેમણે રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ, આયોજકો અને મિત્રમંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રક્તદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળે છે.
રાજકોટ શહેરમાં બેડીપરા સ્થિત પટેલવાડી, કોઠારીયા મેઈન રોડ પર આવેલા રાધેશ્યામ બેન્ડવેટ હોલ અને ન્યૂ માયાણીનગર સ્થિત સરદાર પટેલ ભવન એમ ત્રણ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા. નરેશભાઈ પટેલે ત્રણેય સ્થળોની મુલાકાત લઈ રક્તદાતાઓ અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં શુભેચ્છકો પણ હાજર રહ્યા હતા.
રાજકોટ ઉપરાંત ગોંડલ, ધોરાજી, જસદણ, જેતપુર, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, વેરાવળ, તાલાલા, ગીર ગઢડા, ભાવનગર, મહુવા, રાજુલા, પોરબંદર, અમરેલી, લાઠી, સાવરકુંડલા, કુંકાવાવ, વડીયા, જામનગર, ધારી, બાબરા, ચલાલા, બગસરા, મોરબી, સુરેન્દ્રનગર, અંકલેશ્વર, મહેસાણા, જામનગરના ૭ સ્થળો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજપીપળા, વલસાડ, મુંબઈ, ચેન્નાઈ તેમજ મધ્યપ્રદેશના ઝરખેડા અને તિલગારા સહિત ૧૦૦થી વધુ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા. એકત્ર કરાયેલું રક્ત થેલેસેમિયા પીડિત બાળકો અને અન્ય દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
જન્મદિવસ નિમિત્તે અન્ય સેવાકીય કાર્યક્રમો પણ યોજાયા હતા, ૬ જુલાઈએ રાજકોટ નજીક નિર્માણાધીન ખોડલધામ કેન્સર હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, ભાવનગર, અસ્વલ્લી, પાલનપુર અને બોટાદના આશ્રમો તથા વૃદ્ધાશ્રમોમાં ભોજન સેવા યોજાઈ હતી. બોટાદ, અમદાવાદ અને ભાવનગરમાં વૃક્ષારોપણ તેમજ બોટાદમાં ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો. નિકાવા અને ખરેડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા હતા.
દિવસભર યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સમાજજનો અને સ્વયંસેવકો જોડાયા હતા. જન્મદિવસની ઉજવણીને સેવા અને માનવતા સાથે જોડતી આ પહેલને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.