Loading Please Wait !!!
NEET રદ : વહીવટી તંત્રની ભૂલની સજા વિદ્યાર્થીઓને કેમ?

=> ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા NTA નિયામકને આવેદનપત્ર

=> પુનપરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે આર્થિક વળતર અને મફત પાસની માંગ

=> માંગ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલન અને કાનૂની કાર્યવાહીની ચીમકી

સિટી ન્યૂઝ@અમદાવાદ
NEET UG 2026 પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને ગેરરીતિઓ બહાર આવતા પરીક્ષા રદ કરવી પડવાથી દેશના લાખો વિદ્યાર્થીઓમાં ગંભીર માનસિક આઘાત અને તણાવનું વાતાવરણ ઊભું થયું છે. મહિનાઓની કઠોર મહેનત બાદ પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલી આ રમત સામે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતે કડક રજૂઆત કરી છે.

ફેડરેશનના પ્રમુખ હેમાંગ રાવલે National Testing Agency (NTA) ના નિયામકને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ પ્રકારની બેદરકારી ક્યારેય સ્વીકાર્ય બની શકે નહીં. પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જાળવવા કેન્દ્ર સરકાર અને NTA એ તાત્કાલિક કડક અને ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવી જોઈએ. દેશવ્યાપી એકસરખા પ્રશ્નપત્રને બદલે ઝોન આધારિત મલ્ટિપલ સેટ પ્રશ્નપત્ર વ્યવસ્થા અને ડિજિટલ એન્ક્રિપ્શન ટેક્નોલોજી અપનાવી લીકની શક્યતા નાબૂદ કરવી જોઈએ.

ફેડરેશન દ્વારા માંગ કરવામાં આવી છે કે તમામ પરીક્ષા કેન્દ્રોમાં AI આધારિત લાઈવ CCTV મોનિટરિંગ અને સેન્ટ્રલ કંટ્રોલ રૂમ વ્યવસ્થા ઊભી કરાય. ઉમેદવારો માટે આધાર-લિન્ક્ડ બાયોમેટ્રિક અને ત્રિ-સ્તરીય ચકાસણી ફરજિયાત કરવી અને વિદ્યાર્થીઓને પોતાના જિલ્લામાં કે નજીકના સુરક્ષિત કેન્દ્રમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવું જોઈએ. આ ઉપરાંત પુનપરીક્ષા, એડમિટ કાર્ડ, આન્સર કી અને પરિણામ અંગેનું વિગતવાર કેલેન્ડર સમયસર જાહેર કરવું જોઈએ.

હેમાંગ રાવલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વહીવટી તંત્રની ભૂલોની સજા મહેનતુ વિદ્યાર્થીઓને મળવી જોઈએ નહીં. પરીક્ષા રદ થવાના કારણે મુસાફરી અને રહેઠાણ પાછળ થયેલા ખર્ચ માટે વિદ્યાર્થીઓને આર્થિક વળતર અથવા મફત પરિવહન પાસ આપવા જોઈએ. દરેક રાજ્યમાં પ્રાદેશિક ભાષામાં હેલ્પલાઈન અને કાઉન્સેલિંગ સુવિધા ઊભી કરવી જોઈએ. જો આ ન્યાયી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓના હિતોની અવગણના થશે, તો ફેડરેશન રાજ્યવ્યાપી આંદોલન અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા મજબૂર બનશે.