Loading Please Wait !!!
OBC સમાજની અલગ મંત્રાલયની માંગ; આંદોલન છેડાશે ?

=> OBC સમાજના હક માટે નવી લડત
=> OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ PM મોદીને પત્ર લખ્યો
=> સમાજના પ્રશ્નો, હક્કો અને વિકાસ માટે ચોક્કસ નીતિઓ બનાવવી જરૂરી
=> OBC સમાજની 50% કરતા વધુ વસ્તી છતાં વસ્તીના પ્રમાણમાં પૂરતું પ્રતિનિધિત્વ અને બજેટ મળતું નથી

સિટી ન્યૂઝ@અમદાવાદ

દેશમાં OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માગ હવે વધુ જોર પકડી રહી છે. OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રમાં અલગ OBC મંત્રાલય રચવાની માંગણી કરી છે. હરિભાઈ ચૌધરીની આ માંગને કોંગ્રેસ તરફથી પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે OBC સમાજ માટે અલગ મંત્રાલય સમયની જરૂરિયાત બની ગયું છે. ઋત્વિક મકવાણાએ કહ્યું કે OBC સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી. સમાજના પ્રશ્નો, હક્કો અને વિકાસ માટે ચોક્કસ નીતિઓ બનાવવી જરૂરી છે અને તે માટે અલગ મંત્રાલયની રચના થવી જોઈએ.

હરિભાઈ ચૌધરીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે દેશમાં OBC સમાજની વસ્તી ૫૦ ટકા કરતાં વધુ છે, છતાં સમાજને વસ્તીના પ્રમાણમાં પૂરતું પ્રતિનિધિત્વ અને બજેટ મળતું નથી. તેમણે સહકાર મંત્રાલયની જેમ OBC મંત્રાલય રચવાની માગ કરી છે. તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ માંગણી કરી છે, જેથી OBC સમાજની વાસ્તવિક સામાજિક અને આર્થિક સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મળી શકે. હરિભાઈ ચૌધરીના મતે હાલનો સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ OBC સમાજ પર પૂરતું ધ્યાન આપી શકતો નથી.

હરિભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે OBC સમાજ માટે ચોક્કસ યોજનાઓ અને નીતિ નિર્ધારણ માટે અલગ મંત્રાલય જરૂરી બની ગયું છે. તેમણે આ મુદ્દે ગુજરાત સરકારના વિવિધ વિભાગોને પણ પત્ર લખ્યો હોવાનું જણાવ્યું છે. OBC મંત્રાલયની માગને રાજકીય અને સામાજિક સ્તરે મળતું સમર્થન હવે આગામી સમયમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે.