‘One Drop of Humanity, Give Blood Save Lives’ થીમ સાથે જાગૃતિ અભિયાન
- ગુજરાતમાં રક્તની અછત દૂર કરવા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન સક્રિય
સીટી ન્યૂઝ@રાજકોટ
વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે ૧૪ જૂને ઉજવવામાં આવે છે. રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ લાવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે ઉજવાતા આ દિવસ નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશને વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા અપીલ કરી છે. આ વર્ષે વિશ્વ રક્તદાતા દિવસની વૈશ્વિક થીમ “One Drop of Humanity. Give Blood. Save Lives.” (માનવતાનું એક ટીપું. રક્ત આપો, જીવન બચાવો.) નક્કી કરવામાં આવી છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ ૨૦૦૫થી ૧૪ જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક ડૉ. કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે. તેમણે વર્ષ ૧૯૦૦માં ABO બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ કરી હતી, જેના કારણે રક્તસંચાર ક્ષેત્રે ક્રાંતિ આવી હતી.
ગુજરાતમાં રક્તની અછતને પહોંચી વળવા માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા વિવિધ હોસ્પિટલો અને સંસ્થાઓના સહયોગથી નિયમિત રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. ફાઉન્ડેશન દ્વારા પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ સહિત વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજીને વધુને વધુ લોકોને આ સેવાકાર્ય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અભિયાનનો મુખ્ય હેતુ સ્વૈચ્છિક અને નિશુલ્ક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો, નવી પેઢીને રક્તદાન માટે પ્રેરિત કરવાનો તથા સુરક્ષિત રક્તસેવા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે. વિનય જસાણીએ લોકોને જન્મદિવસ, પુણ્યતિથિ, સ્મૃતિદિન અને અન્ય પ્રસંગોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવા પણ અપીલ કરી છે. સાથે જ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.