સિટી ન્યૂઝના સચોટ અહેવાલ બાદ પાણી ચોર માફિયા બિલ્ડિંગમાં ચેકિંગ !
- રાજકોટ મહાપાલિકાએ પાણીચોરી માટે આકરી ઝુંબેશ શરૂ કરી
- હમારાજનો ભાંડાફોડ કરતી બિલ્ડિંગ ધારકોએ વાલ્વની ચાવી પરત સોંપી
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાએ પાણીચોરી માટે આકરી ઝુંબેશ શરૂ કરી છે, મનપાએ જો કોઈ પાસે વાલ્વની ચાવી હોય તો આપી જવા તાકિદ કરી હતી. જેને પગલે ૨ હાઈરાઈઝ બિલ્ડિંગના રહીશો પાણીચોરી કરવાની ચાવી સામેથી જ મનપાને સોંપી ગયા છે.
વેસ્ટ ઝોન વિસ્તારના કોરાટ ચોકમાં આવેલા રુદ્રાક્ષ હેરીટેજ અને રુદ્રાક્ષ સિટી સી વિંગના રહીશોએ પૈકીના આગેવાનો મનપાની કચેરીએ આવ્યા હતા અને બે ચાવી પરત આપી દીધી છે. મનપાએ તમામને નોટિસ આપી હતી, જેમની પાસે ચાવી હોય તેઓ આપી જાય તો કાર્યવાહી થશે નહીં. આ બંને બિલ્ડિંગ ધારકોએ ડરથી કે પ્રમાણિકતાથી ચાવી પરત આપી દીધી છે, તેથી હવે મનપા તેમની સામે કાર્યવાહી કરશે નહીં. જોકે જ્યાં જ્યાં નોટિસ અપાયેલી છે તે શંકસ્પદોએ હજુ સુધી ચાવી આપી નથી અને મનપાની ફ્લાઈંગ સ્ક્વોડ ત્યાં ત્રાટકી અને ભૂતિયા નળ તેમજ પાણીચોરી કરવાની વાલ્વ ચાવી મળી આવી તો હવે સીધી પોલીસ ફરિયાદ જ કરવામાં આવશે.
મનપાના અધિકારીઓ જણાવે છે કે અત્યાર સુધીમાં ૧૧૦૦ સ્થળે નોટિસ આપી દીધી છે અને તેમને પગલાં શું લેવાશે તે પણ કહી દેવાયું છે, જો હવે તે સ્થળેથી મનપા ચાવી શોધી લાવશે કે પછી અન્ય પાણીચોરી મળશે તો આકરા દંડ અને પોલીસ ફરિયાદ થશે. મનપાની પાણીચોરી શોધતી ટીમે વોર્ડ નં.૧૧માં કોરાકોટ રોડ, બાલાજી હોલ રોડ, નાનામવા રોડ પરની હાઈરાઈઝ બિલ્ડિંગમાં પાણી આવી આપવાના સમયે તપાસ કરી હતી.
આ દરમિયાન જોકે કશું વાંધાજનક મળ્યું નથી અને કાર્યવાહી થઈ નથી. થોડા દિવસ પહેલાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં પાણીચોરી પકડાતા અત્યાર સુધીમાં સૌથી વધુ એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કિંગસ્ટન ફ્લેટમાં રૂપિયાથી વાલ્વ ખુલ્લો રાખે છે ?
શહેરના સિલ્વર સ્ટોન મેઈલ રોડ ઉપર આવે કિંગસ્ટન ફ્લેટમાં પણ રૂપિયા આપી વાલ્વમેન વાલ્વ ખુલ્લો રાખી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે દરરોજ સવારે વાલ્વમેનને વધારે ખુલ્લો રાખવાને એક દિવસના ૫૦૦ રૂપિયા અને મહિને ૧૫૦૦૦ નો હપ્તો નક્કી કરવામાં આવ્યો છે ત્યારે તંત્રએ આ પાણીચોરી સામે કડક પગલાં લેવા જરૂરી છે.