રાજકોટમાં અખબારની પસ્તીમાં ભોજન પિરસતા ઉપર આરોગ્યના દરોડા
- RMCનો સપાટો: 180 કિલો ઝેરી પસ્તી જપ્ત: 35 વેપારીઓને ફટકારી નોટિસ
- છાપાની શાહીથી કેન્સરનું જોખમ છતાં નિયમનો ભંગ કરનાર ફરસાણ અને નાસ્તાની દુકાનોમાં ચેકિંગ કરી 44,500 રૂપિયાનો દંડ વસૂલાયો
સિટી ન્યૂઝ | રાજકોટ
શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની આરોગ્ય શાખાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં ચાલતા ફરસાણ, નાસ્તા અને ડેરીના ધંધાર્થીઓને ત્યાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેલન્સ ચેકિંગમાં સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત એ સામે આવી છે કે, લોકોના જીવના જોખમે ગરમ નાસ્તો અને અન્ય ખાદ્ય ચીજો આપવા માટે છાપાની પ્રિન્ટેડ પસ્તીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો હતો. ફૂડ વિભાગે આ જીવલેણ બેદરકારી સામે કડક કાર્યવાહી કરી કુલ ૧૮૦ કિલો પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો જપ્ત કરી વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.
છાપાં છાપવા માટે વપરાતી શાહીમાં ખતરનાક કેમિકલ્સ અને લેડ (સીસું) જેવા તત્વો હોય છે. જ્યારે ગરમ ભજીયાં, ગાંઠિયા, સમોસા કે અન્ય નાસ્તો આ પસ્તીમાં રાખવામાં આવે છે, ત્યારે શાહી પીગળીને સીધી ખોરાકમાં ભળે છે. નિષ્ણાતોના મતે આવો ખોરાક લાંબા ગાળે કેન્સર અને પેટના ગંભીર રોગો નોતરે છે. આટલું મોટું જોખમ છતાં રાજકોટના જાણીતા ફરસાણ અને નાસ્તાવાળાઓ નિયમોના ધજાગરા ઉડાવતા પકડાયા હતા. ફૂડ વિભાગની ટીમે સપાટો બોલાવી કુલ ૧૨૧ રેસ્ટોરન્ટ અને પેઢીઓમાં તપાસ કરી હતી. જેમાંથી હાઈજેનિક કન્ડિશનનો અભાવ, લાઈસન્સ ન હોવા અને ખાસ કરીને પસ્તીનો ઉપયોગ બદલ ૩૫ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૪૪,૫૦૦નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે. તપાસમાં મવડી રોડ પરના વરિયા ફરસાણ પાસેથી ૧૧ કિલો, ગોંડલ રોડના જલારામ ફરસાણ પાસેથી ૧૧ કિલો અને મહાવીર ફરસાણ પાસેથી ૪ કિલો પસ્તી જપ્ત કરવામાં આવી હતી.
- ફૂડ વિભાગે 121 રેસ્ટોરન્ટ પેઢીઓ તપાસી વાસી ખોરાકનો નાશ કર્યો
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૧૨૧ પેઢી/રેસ્ટોરન્ટ ની તપાસ કરી ફૂલ ૫૫ Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી ફૂલ ૩૭ પેઢીને સ્ટોરેજ, લાઈસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તથા ૧૮૦ kg પસ્તી નો જથ્થો જપ્ત કરી કુલ રૂ. ૪૪,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ ૧૨ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ. શ્રીમન છોટુજી સમોસેવાલે:વન-દ્વારકા કોમ્પ્લેક્સ સામે, ટાગોર રોડ, રાજકોટ. યોગ્ય સ્ટોરેજ રાખવા બાબતે નોટિસ આપેલ છે. પ્રીપેર્ડ વાસી ચીજો તથા ઈન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળી કુલ ૧૫ kg નાશ કરેલ તેમજ ૫,૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરી આંબલી-ખાંડની ચટણી (લુઝ)નો નમૂનો લેવામાં આવેલ. ધમાભાઈ બ્રેડવાળા: વિરાણી ચોક, ટાગોર રોડ, નોટિસ આપેલ છે.
લાઈસન્સ ન હોવા તથા લાઈસન્સ ધારક પાસેથી ખરીદી અંગે કોઈ આધાર ન હોવા અંગે ૨૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જનતા બેકરી: મનહર પ્લોટ-૭, મંગલા મેઈન રોડ, નોટિસ આપેલ છે. અનહાઈજેનિક કન્ડિશન તથા વપરાશમાં લેવાતા ખાધતેલ ડિસ્પ્લે કરવા, અંગે ૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. વરિયા ભજીયા હાઉસ: લોધાવદ ચોક, મંગલા મેઈન રોડ, નોટિસ આપેલ છે. વપરાશમાં લેવાતા ખાધતેલ ડિસ્પ્લે કરવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા લાઈસન્સ અંગે ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી બાલગોપાલ લાલજી નાસ્તા હાઉસ: હરિઓમ કોમ્પ્લેક્સ, મંગલા રોડ ટાગોર રોડ કોર્નર, નોટિસ આપેલ છે. વપરાશમાં લેવાતા થર્મોકોલ બાઉલ, તથા લાઈસન્સ ન હોવા અંગે ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.