રાજકોટમાં રથયાત્રા પહેલા ખત્તરનાક પ્લાન ફેલ હથિયારોનો જથ્થો પકડાયો
વેપન કાર્ટેલ ગેંગ 10 પિસ્તોલ, 5 કટ્ટા, 1 રિવોલ્વર, 30 કાર્ટીસ સાથે ઝડપાઈ
મિર્ઝાપુરનો શખ્સ ડિલિવરી આપવા આવ્યોને PCBના PSI R.K.જાડેજાની ટીમે ઝડપી લીધો
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં આગામી ૧૬ તારીખે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે વેપન કાર્ટેલ ગેંગના ૫ શખ્સોને ઝડપી લઈ ૧૦ દેશી પિસ્તોલ, ૫ દેશી કટ્ટા, ૧ દેશી રિવોલ્વર, ૩૦ જીવતા કાર્ટીસ, ૪ મોબાઈલ સહીત ૨ લાખ ૩ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ જાની સૂચના અન્વયે પીસીબી પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી બી ત્રાજીયા, પીએસઆઈ આર કે જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના વિજયભાઈ મેતા, કુલદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મિર્ઝાપુરનો શખ્સ વાંકાનેર ચોકડી પાસે હથિયારોની ડિલિવરી દેવા આવવાનો છે આ બાતમી આધારે વોચ ગોઠવી મિર્ઝાપુરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા, અનિલ વીરાભાઈ જેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી તબક્કાવાર તમામ પાસેથી ૧૦ દેશી પિસ્તોલ, ૫ દેશી કટ્ટા, ૧ દેશી રિવોલ્વર, ૩૦ જીવતા કાર્ટીસ, ૪ મોબાઈલ સહીત ૨ લાખ ૩ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ગ્રામ્ય એસઓજીએ કુંડણી ગામે ગઈકાલે દરોડો પાડ્યો હતો અને કુખ્યાત બુટલેગરને બે હથિયાર સાથે પકડ્યો હતો તેમાં પણ મિર્ઝાપુરના શકીલનું બોધરાવદરના જયસુખનું નામ ખૂલ્યું હતું આ બંને શખ્સોને શહેર પીસીબીએ ઝડપી લીધા છે.