Loading Please Wait !!!
શિક્ષણમાં પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે કોંગ્રેસનું “છાત્ર ગુંજ” અભિયાન

 

વિદ્યાર્થીઓના પ્રશ્નો અને શિક્ષણ સુધારાઓ માટે રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાશે

સીટી ન્યૂઝ@રાજકોટ

શિક્ષણ વ્યવસ્થામાં વધતા પેપર લીક, પરીક્ષા કૌભાંડો અને ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત બનાવવા કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, યુવાનો અને વાલીઓના પ્રશ્નોને વાચા આપવાનો તેમજ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવવાનો છે.

કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને રાજ્યમાં વિવિધ ભરતી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના બનાવોએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર પહોંચાડી છે. NEET, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓ વિવાદોમાં રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા અને અસંતોષનો માહોલ સર્જાયો છે.

પ્રેસ વાર્તામાં જણાવાયું હતું કે મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અનેક પેપર લીકની ઘટનાઓ સામે આવી છે અને ઘણી પરીક્ષાઓ ફરી લેવાની ફરજ પડી છે. ગુજરાતમાં પણ બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ફોરેસ્ટ ગાર્ડ જેવી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓના આક્ષેપો થયા હતા. કોંગ્રેસે માંગ કરી છે કે પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પેપર લીકના બનાવોને અટકાવવા અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

છાત્ર ગુંજ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂચનો અને ફરિયાદો સાંભળવામાં આવશે. શિક્ષણ વ્યવસ્થા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે શિક્ષણ અને રોજગારના પ્રશ્નો આજે યુવાનો માટે સૌથી મોટો પડકાર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શિક્ષણ માટે કરવામાં આવતા આર્થિક બોજ અંગે પણ અભિયાન દરમિયાન ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા અને ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.