રાજકારણથી ઉપરનો સબંધ વિજયભાઈને મિત્રની ભાવભીની શ્રદ્ધાંજલિ : આજે પણ હીંચકો રડે છે !
વિજયભાઈ રૂપાણીની યાદે પાક્કા મિત્ર ધનસુખ ભંડેરીની ભીની આંખે 35 વર્ષની યાદો જીવંત
સીટી ન્યૂઝ@રાજકોટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું, પરંતુ સ્વ. વિજય રૂપાણીની યાદો આજે પણ એટલી જ તાજી છે. તેમના નજીકના મિત્ર ધનસુખભાઈ ભંડેરી માટે આ દિવસ માત્ર એક તારીખ નહીં, પણ લાગણીઓનો સમુદ્ર છે.
ધનસુખભાઈએ સાડા ત્રણ દાયકાથી વધુ સમયની યાદો વાગોળતા ગળા ભરાઈ આવ્યા. તેઓએ જણાવ્યું કે જ્યારે વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા, ત્યારે તેઓ લંડનમાં વિજયભાઈની પત્ની અંજલીબેન અને નિતિનભાઈ ભારદ્વાજ સાથે હતા. એ ક્ષણ એવી હતી કે લગભગ ૧૫ મિનિટ સુધી કોઈ બોલી પણ શક્યું નહોતું શબ્દો ગૂંગા બની ગયા હતા.
વિજયભાઈ માત્ર રાજકારણી નહોતા તે એક સહજ, સંવેદનશીલ અને દિલથી જોડાયેલા માણસ હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેમની અંદરનો "કોમન મેન" ક્યારેય મર્યો નહોતો. કાર્યકર્તાઓને મનાવવા તેઓ ખુદ તેમના ઘેર પહોંચી જતા એવી સાદગી આજના સમયમાં દુર્લભ છે.
પાટીદાર આંદોલન જેવી પડકારજનક પરિસ્થિતિમાં પણ તેમણે સંવાદ અને સમજણથી પરિસ્થિતિને શાંત કરી. રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે એમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા મોટા પ્રોજેક્ટોને ગતિ આપવી હોય કે પાણી વ્યવસ્થાપન માટે સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી યોજનાઓ વિજયભાઈએ વિકાસને પ્રાથમિકતા આપી. પરંતુ તેમની સૌથી મોટી ઓળખ હતી તેમની માનવતા. પોતાના પુત્ર પૂજિતના નિધન બાદ પણ તેઓ તૂટી ગયા નહોતા પણ પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકો માટે સેવા શરૂ કરી.
"વિજયભાઈને હીંચકો ખૂબ ગમતો. ગાંધીનગર હોય કે રાજકોટે તે હીંચકા પર બેસીને અખબાર વાંચતા, લોકો સાથે વાતો કરતા. આજે એ જ હીંચકો ખાલી છે અને જાણે તેમની યાદમાં હિબકાં ભરી રહ્યો છે.
તેમણે કહ્યું કે તેમની અને વિજયભાઈની મિત્રતા માત્ર રાજકીય નહોતી એ એક પારિવારિક સંબંધ હતો. લગ્ન પ્રસંગ હોય કે વ્યક્તિગત ખુશીઓ વિજયભાઈ હંમેશા સાથે ઊભા રહ્યા. લંડન જવાના એક દિવસ પહેલાં થયેલી નાસ્તાની મુલાકાત અને ત્યારબાદનો વીડિયો કોલ એ જ તેમની છેલ્લી વાતચીત બની ગઈ. એક વર્ષ બાદ પણ એક વાત સ્પષ્ટ છે.
વિજય રૂપાણી માત્ર એક નેતા નહોતા, પરંતુ હજારો લોકોના દિલમાં વસેલો એક લાગણીસભર માણસ હતા. તેમની યાદો આજે પણ જીવંત છે... અને કદાય હંમેશા રહેશે.