પ્રવેશોત્સવના ઢોલ-નગારા અને બાળકો પાણીમાં! આ છે વિકાસ?
- વરસાદમાં જવું મુશ્કેલ
- સૌરાષ્ટ્રના પાલીતાણાના વિજનાનેસ ગામે શાળા પ્રવેશોત્સવનો બાળકોએ વિરોધ કર્યો
- ઉત્સવોમાં શિક્ષણ, જમીન પર સંઘર્ષ : બાળકોની મજબૂરી જુઓ : શિક્ષણ સુધી પહોંચવા માટે રોજની લડાઈ !
સિટી ન્યૂઝ@ગૌતમ ગોસ્વામી, પાલીતાણા
પાલીતાણા તાલુકાના વિજનાનેસ ગામે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન જ અનોખો અને તીખો વિરોધ સામે આવ્યો છે. જ્યાં એક તરફ સરકાર શિક્ષણના ઉત્સવો ઉજવી રહી છે, ત્યાં બીજી તરફ ગ્રામ્ય હકીકતોએ આખી વ્યવસ્થાને સવાલોમાં મૂકી દીધી છે.
શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ દરમિયાન જ વિદ્યાર્થીઓએ બેનરો સાથે અધિકારીઓ અને આગેવાનો સામે સીધી રજૂઆત કરી હતી. બાળકોનો મુખ્ય પ્રશ્ન હતો "સ્કૂલે જવા માટે રસ્તો ક્યાં છે?"
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ગામમાંથી શાળાએ જવા માટે પાકો રસ્તો નથી. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીનું પાણી આવતા રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે. પરિસ્થિતિ એવી બને છે કે બાળકોને પાણીમાં ચાલીને શાળાએ જવું પડે છે. વાલીઓએ પણ રોષ વ્યક્ત કર્યો કે દર વર્ષે આ જ હાલાકીનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત વન્યપ્રાણીઓનો ભય પણ ગંભીર સમસ્યા બની ગયો છે. વિદ્યાર્થીઓ એકલા સ્કૂલે જઈ શકતા નથી, જેના કારણે વાલીઓને ફરજિયાત બાળકોને મુકવા જવું પડે છે. આ પરિસ્થિતિએ
શિક્ષણને જોખમમાં મૂકી દીધું છે.
વિદ્યાર્થીઓએ બેનરોમાં સ્પષ્ટ માંગણી કરી કે વહેલી તકે પાળો, નાળું અને પાકો રસ્તો બનાવવામાં આવે જેથી તેઓ સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસની વાતો કાગળ પર જ સીમિત રહી ગઈ છે, જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી સંપૂર્ણપણે અલગ છે.