Loading Please Wait !!!
રાજકોટમાં બેરૂપિયું તંત્ર!

 

  • એક હાથે વાવેતર: નેતાઓએ વૃક્ષોનું વાવેતર કર્યું

  • બીજા હાથે વૃક્ષોનું કતલ: તંત્રે કાપી નાખ્યા

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં આજે પર્યાવરણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરતી પરિસ્થિતિ સામે આવી રહી છે. એક બાજુ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શહેરમાં વૃક્ષો વાવવાના મોટા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ એ જ તંત્ર દ્વારા ખુલ્લેઆમ વૃક્ષો કપાઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

શહેરના શાસ્ત્રી હોટલ રોડ વિસ્તારમાં આજે મોટા પાયે વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો મુજબ આ વૃક્ષો આપનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રસ્તો ખુલ્લો રાખવા માટે કાપવામાં આવી રહ્યા છે. જોકે આ પગલાંને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નાગરિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા એક તરફ વૃક્ષારોપણના કાર્યક્રમો કરીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં શહેરમાં હાજર જૂના અને છાયા આપતા વૃક્ષોને જ કાપી નાખવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને "ઉલ્ટી ગંગા" ગણાવીને લોકો તંત્રની નીતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

રાજકોટ શહેરનું હવા પ્રદૂષણ પહેલાથી જ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. વધતા પ્રદૂષણને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. શ્વાસ સંબંધિત બીમારીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આવા સમયમાં વૃક્ષો કાપવાની કાર્યવાહી વધુ ચિંતાજનક બની છે.

પર્યાવરણપ્રેમીઓ માને છે કે વૃક્ષો શહેરના “ફેફસા” સમાન છે, અને તેમને કાપવા કરતા વધુમાં વધુ વાવેતર અને સંરક્ષણ જરૂરી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં પ્રદૂષણનો સ્તર ઊંચો છે, ત્યાં દરેક વૃક્ષનું મહત્વ વધી જાય છે.

હાલમાં ઉઠતા પ્રશ્નો એ છે કે શું વિકાસના નામે પર્યાવરણનો બલિદાન યોગ્ય છે? શું તંત્ર પાસે વિકલ્પિક આયોજન નહોતું? અને સૌથી મહત્વનો સવાલ એક તરફ વૃક્ષ વાવવાના કાર્યક્રમો અને બીજી તરફ વૃક્ષોની કતલ, આ દ્વૈત નીતિ ક્યારે બંધ થશે?