રાજકોટમાં સિટી બસ કૌભાંડ - મહિને 20 લાખની કટકી?
ડ્રાઈવરો કંડક્ટરનું ઓવરટાઈમ ગરબડી
-
સિટી બસના ડ્રાઈવરો પાસે નિયમ વિરુદ્ધ 16 કલાક કામ લેવામાં આવે છે
-
ડ્રાઈવરોનો ઓવરટાઈમના હક્કના લાખો રૂપિયા હજમ કરવાનો મોટો ખેલ!
-
ડ્રાઈવરે મહિનામાં 15 દિવસ કામ કર્યું કે 31 દિવસ કંપનીને તમામ ડ્રાઈવરોની પે. સ્લીપમાં ઓવરટાઈમના કલાકો 24 કલાક જ ફિક્સ દર્શાવ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની સડકો પર દોડતી સિટી બસો માત્ર મુસાફરોને જ નહીં, પણ એક મોટા જોખમને લઈને ફરી રહી છે. રાજકોટ રાજપથ લિ. હેઠળ ચાલતી સિટી બસ સેવાઓના કોન્ટ્રાક્ટરો દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરનું આર્થિક અને શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. માત્ર નફો રળવાની લાલચમાં એજન્સીઓ ડ્રાઈવરો પાસે રોજના 12 થી 16 કલાક સુધી સળંગ બસ ચલાવડાવી રહી છે. આ અમાનવીય પરિશ્રમને કારણે થાકેલા ડ્રાઈવરોની એકાગ્રતા ઘટે છે. શ્રમ કાયદા મુજબ દરેક કર્મચારીને અઠવાડિક રજા (Weekly Off) મળવી ફરજિયાત છે, પરંતુ અહીં નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે.
લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં જેને નોટિસ આપવામાં આવી હતી તેવી ‘વિશ્રમ સિટી બસ ઓપરેશન પ્રા. લી.’ ની માર્ચ 2023 ની પે-સ્લિપમાં એક મોટું કૌભાંડ છતું થયું છે. ડ્રાઈવરે મહિનામાં 15 દિવસ કામ કર્યું હોય કે 31 દિવસ, કંપનીએ તમામ ડ્રાઈવરોની પે-સ્લિપમાં ઓવરટાઈમના કલાકો માત્ર ‘24 કલાક’ જ ફિક્સ દર્શાવ્યા છે! આ મનઘડત ગણતરી સ્પષ્ટ બતાવે છે કે કાયદાની આંખમાં ધૂળ નાંખીને ડ્રાઈવરોના ઓવરટાઈમના હક્કના લાખો રૂપિયા હજમ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ‘પેનલ્ટી’ ના નામે કોઈપણ કારણ વિના 500 રૂપિયા જેવી રકમ ગેરકાયદેસર રીતે પગારમાંથી કાપી લેવામાં આવે છે.
-
પેનલ્ટીના નામે કોઈ પણ કારણ વિના 500 રૂપિયા જેવી રકમ ગેરકાયદેસર રીતે પગારમાંથી કાપી લેવામાં આવે છે
-
જો ડ્રાઈવર 16 કલાક કામ ન કરે તો છૂટા કરી દેવાની ધમકી