રાજકોટ ક્લેમ બાર એસોસિએશનની ચૂંટણીમાં નિકુંજ શુક્લાની ટીમ વિજેતા
- કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવારી ન નોંધાતા પ્રમુખથી કારોબારી સુધી તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા; વકીલોમાં આનંદની લાગણી
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેર ક્લેમ બાર એસોસિએશનની વર્ષ ૨૦૨૬-૨૭ માટેની ચૂંટણીમાં પ્રમુખ નિકુંજ શુક્લાની આગેવાની હેઠળની સમગ્ર પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે. તા. ૧૧ જૂન સુધી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાઈ હતી, પરંતુ કોઈપણ ઉમેદવાર દ્વારા પ્રતિસ્પર્ધી ઉમેદવારી પત્ર દાખલ કરવામાં ન આવતા તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
માહિતી મુજબ, ક્લેમ બાર એસોસિએશનના આગામી કાર્યકાળ માટે પ્રમુખ નિકુંજ શુક્લાની ટીમે મજબૂત પેનલ જાહેર કરી હતી. આ અંગે આર.બી.આઈ.ના પ્રમુખ સુમિત વોરા, પૂર્વ પ્રમુખ પરેશ મારૂ તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ પટેલ સહિતના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા બાદ પેનલ નક્કી કરવામાં આવી હતી.
બિનહરીફ ચૂંટાયેલા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે નિકુંજ શુક્લા, ઉપપ્રમુખ તરીકે રજ્ઞાબેન ઉપાધ્યાય, સેક્રેટરી તરીકે પ્રિયાંક ભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજેન્દ્ર ડોરી તથા ખજાનચી તરીકે ભાવેશ મકવાણાની પસંદગી થઈ છે.
કારોબારી સભ્યો તરીકે મકસૂદ પરમાર, મહેશ સિંધવ, કરણ ગઢવી, હેમંત પરમાર, રૂદ્ર ભટ્ટ અને રાજુ મિયાત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે મહિલા અનામત બેઠક પર મૃદુલાબેન મકવાણા ચૂંટાઈ આવ્યા છે.
ઉમેદવારી નોંધણી દરમિયાન મોટી સંખ્યામાં ક્લેમ બારના વકીલ ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી પેનલને સમર્થન આપ્યું હતું. સેક્રેટરી નિલેશ પટેલ, જયેન્દ્ર ગોંડલિયા, પ્રગતિ માકડિયા, કેતન માંડ, યોગેશ ઉદાણી સહિત અનેક વરિષ્ઠ અને યુવા વકીલોએ ખુલ્લેઆમ આ પેનલને ટેકો જાહેર કર્યો હતો.
ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન ચૂંટણી કમિશનર જયેશ અતીત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની કામગીરીને વકીલવર્ગે સરાહનીય ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સફળતા બાદ હવે ક્લેમ બાર એસોસિએશનમાં પણ નિકુંજ શુક્લાની ટીમે બિનહરીફ વિજય મેળવી સંગઠનમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે.