Loading Please Wait !!!
રાજકોટ મનપા આરોગ્ય વિભાગ અને ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટરોના સંયુક્ત ઉપક્રમે CME યોજાઈ; સરકારની માર્ગદર્શિકા મુજબ સારવાર અને રેફરલ અંગે માર્ગદર્શન

ચાંદીપુરા વાયરસ સામે સજ્જતા માટે ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટરોને અપાઈ વિશેષ તાલીમ

  • સિટી ન્યૂઝ@રાજકોટ

ચાંદીપુરા વાયરસ સામે આગોતરી સજ્જતા અને અસરકારક નિયંત્રણ માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટર્સ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે કંટીન્યુઅસ મેડિકલ એજ્યુકેશન (CME) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આયુષ ડૉક્ટરોએ હાજરી આપી ચાંદીપુરા વાયરસ અંગે નિષ્ણાતો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.

કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રિંકલ મેઘાણી, વાઈસ ચેરમેન ડૉ. શૈલેષ વસાણી, ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટર્સના પ્રમુખ ડૉ. એમ. વી. વેકરિયા, મંત્રી ડૉ. કિશોર દેવળિયા અને ચેરપર્સન ડૉ. નરેન્દ્ર વિશાની સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશનના પ્રયાસોથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો સુધી સેવા આપતા જનરલ પ્રેક્ટિસ આયુષ ડૉક્ટરોને ચાંદીપુરા વાયરસ અંગે વૈજ્ઞાનિક તેમજ વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વંકાણીના ગાર્ડદર્શન હેઠળ પીડીયુ મેડિકલ કોલેજના ડૉ. મનાલી વીરપરિયા (આસિસ્ટન્ટ પ્રોફેસર, પીડિયાટ્રિક વિભાગ), ડૉ. મધુલિકા મિસ્ત્રી (પ્રોફેસર, માઈક્રોબાયોલોજી) અને ડૉ. ભાવેશા કાનાબાર (PSM) દ્વારા ચાંદીપુરા વાયરસના લક્ષણો, નિદાન, સારવાર, નિવારણ અને સમયસર રેફરલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ તરફથી ડૉ. મિલન પંડ્યા, ડૉ. આશિષ કોઢિયાતર, ડૉ. મીનાક્ષી સોલંકી અને ડૉ. જયદીપ જોશીએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

સેમિનારમાં સરકારની માર્ગદર્શિકા મુજબ ચાંદીપુરા વાયરસના સંભાવિત દર્દીઓને પ્રાથમિક તબક્કે ઓળખી તાત્કાલિક યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા, બાળકોમાં રોગ અંગે વ્યાપક જાગૃતિ લાવવા તેમજ નિવારક પગલાં અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટર્સ પણ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાની જાહેર આરોગ્ય ઝુંબેશોમાં સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.