Loading Please Wait !!!
રાજકોટ-મોરબી ગ્રાહક અદાલતોમાં કેસોના વિલંબ સામે વકીલોની રજૂઆત

 

ગ્રાહકોને ત્વરિત ન્યાય માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે માંગણી, કન્ઝ્યુમર લો પ્રેક્ટિશનર્સ એસોસિએશન દ્વારા કાયમી ઉકેલની અપીલ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ અને મોરબીની ગ્રાહક તકરાર નિવારણ અદાલતોમાં કેસોના નિકાલમાં થઈ રહેલા વિલંબ અને પક્ષકારોને પડતી મુશ્કેલીઓના કાયમી નિવારણ માટે કન્ઝ્યુમર લો પ્રેક્ટિશનર્સ એસોસિએશન, રાજકોટના નવનિયુક્ત હોદ્દેદારોએ વિવિધ સ્તરે લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆત નેશનલ કમિશન, ગુજરાત સ્ટેટ કમિશન, મુખ્યમંત્રી કાર્યાલય, ગ્રાહક બાબતોના મંત્રી અને સચિવ સુધી પહોંચાડવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં મુખ્ય ગ્રાહક આયોગ અને અધિક ગ્રાહક આયોગ એમ બે અલગ એસ્ટાબ્લિશમેન્ટ કાર્યરત હોવા છતાં કેસોના નિકાલમાં ગંભીર વિલંબ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અધિક ગ્રાહક આયોગમાં ફરિયાદોની સંખ્યા ઓછી હોવા છતાં ચૂકાદા અને હુકમોની ગતિ અત્યંત ધીમી હોવાથી અરજદારોને લાંબા સમય સુધી ન્યાય માટે રાહ જોવી પડી રહી છે.

વકીલોએ જણાવ્યું છે કે અનેક કેસોમાં આખરી દલીલો પૂર્ણ થયાને ૪ થી ૫ મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી ચૂકાદા જાહેર કરવામાં આવ્યા નથી. બીજી તરફ મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં સપ્તાહમાં માત્ર એક દિવસ કામગીરી થતી હોવાથી તાત્કાલિક રાહતના કેસોમાં પણ વિલંબ સર્જાઈ રહ્યો છે. કન્ઝ્યુમર લો પ્રેક્ટિશનર્સ એસોસિએશનને રાજકોટના અધિક ગ્રાહક આયોગ અને મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં રોજિંદી કામગીરી શરૂ કરી કેસોના ઝડપી નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. સંગઠનનું માનવું છે કે ગ્રાહક અદાલતોનો મૂળ હેતુ ઝડપી અને સરળ ન્યાય આપવાનો છે, પરંતુ હાલની સ્થિતિમાં અરજદારોને માનસિક અને આર્થિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસોસિએશનના પ્રમુખ સાગર રૂપાળી, ઉપપ્રમુખ જરગીન દવે, સેક્રેટરી પારસ શેઠ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ તંત્રને આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરી જરૂરી નિર્ણયો લેવા અનુરોધ કર્યો છે.