Loading Please Wait !!!
રાજકોટ પોલીસના બે જાહેરનામા

વેચાણ નહીં થયેલી ખંડિત મૂર્તિઓ બિનવારસી હાલતમાં મૂકી નહીં શકાય
ગણેશ મહોત્સવમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિનું સ્થાપન કરવા પ્રતિબંધ
  • પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવી કે વેંચી શકાશે નહીં
  • નક્કી કરેલા સ્થળો ઉપર જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે
સીટી ન્યૂઝ@રાજકોટ
આગામી તા. ૧૪ સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને અનુલક્ષીને આ વખતે પણ નવ ફૂટ કરતા ઊંચી ગણપતિજીની મૂર્તિની સ્થાપના ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે કે, પ્લાસ્ટર ઓફ પેરિસની ગણપતિજીની મૂર્તિ બનાવવી કે વેંચી નહીં શકાય. સ્થાપના પણ નહીં કરી શકાય. ૯ ફૂટ કરતા ઊંચી મૂર્તિ પણ વેંચી, બનાવી કે સ્થાપન નહીં કરી શકાય. નક્કી કરેલા સ્થળો પર જ મૂર્તિનું વિસર્જન કરી શકાશે. જે જગ્યાએ મૂર્તિઓ બનાવતી હોય ત્યાં અને આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ગંદકી ન થાય તેનું મૂર્તિકારોએ ધ્યાન રાખવું પડશે. મૂર્તિની બનાવટમાં ઝેરી કેમિકલયુક્ત રંગોનો પણ ઉપયોગ નહીં કરી શકાય. સ્થાપના દિવસ બાદ વેચાણ ન થયેલી અને ખંડિત થયેલી મૂર્તિઓ બિનવારસી હાલતમાં મૂકી નહીં શકાય. કોઈપણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓનું વેંચાણ કે સ્થાપન નહીં કરી શકાય. વિસર્જન સરઘસ યોજવા માટે પરમિટ સિવાયના અન્ય રૂટ પર જઈ નહીં શકાય. પંડલમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. આ ઉપરાંત અગ્નિશમનના સાધનો પણ મુકવા પડશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા અન્વયે પોલીસ કમિશનરનું જાહેરનામું
રાજકોટમાં અષાઢી બીજે 25 રસ્તાઓ ઉપર નો પાર્કિંગ-નો એન્ટ્રી
સીટી ન્યૂઝ@રાજકોટ
આગામી તા. ૧૬ના રોજ અષાઢી બીજના પવિત્ર પર્વે રાજકોટ શહેરમાં જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં રાજકોટ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અબડાઓ, શણગારેલા રથો, આકર્ષક ટેબ્લો અને લાખોની મેદની દર્શનાર્થે ઉમટી પડવાની છે. આટલી મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થવાની હોવાથી શહેરમાં ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય અને રથયાત્રા સુગમતાથી પસાર થઈ શકે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક વિસ્તૃત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામા અનુસાર, રથયાત્રા જે રોડ પરથી પસાર થવાની છે તેના બે કલાક પહેલાં જ તમામ પ્રકારના સામાન્ય વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ ઝોન અમલી બની જશે રથયાત્રા ખોડિયાર આશ્રમથી પ્રસ્થાન થઈને મોક્કાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કર ધામ મેઈન રોડ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, હનુમાન મઢી ચોક, આશ્રપાલી અંડરબ્રિજ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, સદર બજાર, હરિહર ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર ચોક, સાંગણવા ચોક, ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી, કેનાલ રોડ, કેવડાવાડી, સોરઠિયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, દેવપરા ચોક, સહકાર મેઈન રોડ, ઢેબર રોડ, પી.ડી.એમ. કોલેજ, સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર, મવડી મેઈન રોડ, માયાણી ચોક, રાજનગર ચોક થઈ નાના મૌવા મેઈન રોડ થઈને રથયાત્રા પરત કૈલાસ ધામ નીજ મંદિર ખાતે સંપન્ન થનાર હોય આ તમામ રાજમાર્ગો ઉપર બે કલાક તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.