Loading Please Wait !!!
આજી નદી ગંદી...ગોબરી...

 

કોંગ્રેસના કોર્પોરેટરોએ પાવડા-તગારા લઈ સાફ સફાઈ કરી

કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ કહ્યું શહેરમાં પ્રિ-મોન્સૂનની કામગીરી શૂન્ય

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં આવતા આજે(૨૪ જૂન) કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના પટમાં ઉતર્યા હતા અને સફાઈ કરી હતી. મેયર ડો. નેહલ શુક્લ પોતાના વોર્ડ નં. ૬માં આવેલી આજી નદીની સફાઈ ન કરાવી શકતા હોય તો શહેરની સફાઈ કેવી રીતે કરાવી શકશે તેવો સવાલ વોર્ડ નં. ૧૫ના કોંગી નગરસેવક મકબૂલ દાઉદાણીએ ઉઠાવ્યો હતો.

આ સાથે જ કટાક્ષ કર્યો કે મેયર જ્યારે જીતી ગયા ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે રામનાથ મહાદેવ મંદિરે ધ્વજ ચડાવી હતી. જોકે બાદમાં આ મંદિરની આસપાસ આજી નદીમાં ફેલાયેલી ગંદકી તેમને ન દેખાઈ ત્યારે ભવિષ્યમાં પણ જો તંત્ર નહીં જાગે તો JCB લઈને સફાઈ કરીશું.

કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આજે અમે રામનાથ મંદિરે આવ્યા છીએ અને આ આજી નદી છે. અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે, પરંતુ કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે પાણી વધારે આવે છે અને ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરમાં નુકસાન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે.

મેયર ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરે છે. આ એમને જ વોર્ડ છે અને અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે. ગત વખતે પણ અહીં આજી નદીમાં સફાઈ કરવામાં આવી ન હતી. જેને કારણે નદીનું પાણી મંદિરની ધૂસી જતા નુકસાન થયું હતું. હજુ પણ સફાઈ નહીં કરાયે તો આ વર્ષે વધુ નુકસાન જશે.

મેયરે કહ્યું સાફ-સફાઈની વધારે જરૂરિયાત કોંગ્રેસમાં છે

મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કંઈક કરે છે તે સૌથી આનંદની વાત છે. સાફ-સફાઈની સૌથી વધુ જરૂરિયાત કોંગ્રેસ પક્ષમાં પોતાનામાં છે. છતાં પણ આજી નદી કોંગ્રેસ સાફ કરતી હોય તો ખૂબ સારી વાત છે. નદી, નાળા, શહેર અને સફાઈ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આજે તમે સાફ કરો તો આવતીકાલે તેમાં કચરો આવવાનો જ છે. સફાઈમાં વાંધો કાઢવો એ ખૂબ જ સરળ અને સહજ છે. પરંતુ તેની વ્યવસ્થા કરવી એ એક ભગીરથ કાર્ય છે. વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની છે જ. આજી નદીમાં સફાઈ થતી જ હોય છે. એક દિવસને પકડીને હાઈલાઈટ કરવું તે કોંગ્રેસની પ્રકૃતિ છે તેના વિશે કંઈ કહેવાની જરૂર નથી. લોકો સમજે જ છે. મહાનગરપાલિકાના દરેક ભાજપના કોર્પોરેટરો પ્રિ-મોન્સૂનની સામૂહિક કામગીરી કરી રહ્યા છે. સ્વચ્છતા માટે મહાનગરપાલિકાના લોકો જાગૃત છે.

રાજકારણ જે કરતા હોય તે રાજકારણનો જવાબ આપશે, પરંતુ અત્યારે સ્વચ્છતાની વાત થઈ રહી છે ત્યારે મહાનગરપાલિકા તે અંગે કાળજી લઈ રહી છે. રામનાથ મહાદેવ મંદિર માટે રાજકોટ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. જે ગંદું બને તે ઈચ્છનીય ન હોય અને કોઈ ઈચ્છતું પણ ન હોય. જે અંગેની વિશેષ કાળજી લેવાઈ રહી છે અને તે અંગેની યોજના આકાર લેતા આગામી સમયમાં જોઈ શકશો. આવતીકાલે જનરલ બોર્ડ છે ત્યારે તેમાં મહાનગરપાલિકા દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે તે આપના ધ્યાન ઉપર આવશે.