Loading Please Wait !!!
રાજકોટમાં સમય ટ્રેડિંગના નામે કરોડોની છેતરપિંડી

 

ગીતાબેન કાકડિયા અને પ્રદીપ દાવેરા સામે DCP (ક્રાઈમ)ને ફરિયાદ; ૧૭થી વધુ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાનો આક્ષેપ, GPID હેઠળ ગુનો નોંધવાની માંગ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ઊંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા પડાવતી વધુ એક ઠગ ટોળકી મેદાને આવી છે. નાનામવા રોડ પર રહેતી મહિલાએ ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. સમક્ષ ગંભીર લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં 'સમય ટ્રેડિંગ' પેઢીમાં રોકાણના બહાને આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. આ સિન્ડિકેટૅ અનેક લોકોની કરોડોની મરણમૂડી પડાવી વિશ્વાસઘાત આચર્યો છે. રાધાનગર મેઈન રોડ પર રહેતા ફરિયાદી દિવ્યાબેન ગાજીપરાએ ગીતાબેન કાકડિયા અને પ્રદીપ દાવેરા વિરુદ્ધ સત્તાવાર પોલીસ અરજી કરી છે. અરજી મુજબ, પારિવારિક સંબંધોનો ગેરલાભ ઉઠાવી, ૨૦૧૯માં ગીતાબેને દિવ્યાબેનને પ્રદીપ દાવેરાની માલિકીની 'સમય ટ્રેડિંગ'માં બજાર કરતા ખૂબ ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરવા મનાવ્યા હતા. સ્નેહી પર ભરોસો રાખી દિવ્યાબેને કટકે-કટકે કુલ ૫૮ લાખ રોકડા ગીતાબેનને સોંપ્યા હતા.

રોકાણ મેળવ્યાના થોડા સમય સુધી આરોપીઓએ નિયમિત નફો ચૂકવી વિશ્વાસ જીત્યો હતો, પરંતુ બાદમાં વળતર અને મુદ્દલ આપવાનું સદંતર બંધ કરી દીધું. નાણાં પરત માંગતા ગીતાબેન અને પ્રદીપનો સંપર્ક કરતા તેઓએ માત્ર ઉડાઉ જવાબો આપ્યા હતા. તપાસમાં વધુ ખુલ્યું હતું કે ગીતાબેન સામે અગાઉ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

દિવ્યાબેન ઉપરાંત અનેક પરિવારો આ જાળમાં ફસાયા છે. પોલીસ અરજી મુજબ રકમના આંકડા નીચે મુજબ છે: ભાવેશભાઈ ખૂંટ (૧.૧૦ લાખ), મહેશભાઈ સખીયા (૫૦ લાખ), તેજસભાઈ ગાજીપરા (૪૦ લાખ), હરેશભાઈ અજાણી (૩૫ લાખ), સચિનભાઈ પોપટ (૩૦ લાખ), યોગેશભાઈ જાડેજા (૨૨ લાખ), દયાબેન ગાજીપરા (૨૦ લાખ), જયશ્રીબેન કડવા (૧૮ લાખ), અર્ચનાબેન વેકરિયા (૧૬ લાખ), જગદીશભાઈ (૧૫ લાખ), ગીતાબેન અને સતીષભાઈ ગોંડલીયા (દરેકના ૧૫ લાખ), જયદીપભાઈ (૧૦ લાખ) તેમજ રસીલાબેન, ગિરીશભાઈ અને જયેશ ફરડીયા (દરેકના ૧૦ લાખ).

લોકોની પરસેવાની કમાણી ફુલાડનાર આરોપીઓ બિદાસ્ત ફરી રહ્યા હોવાથી પીડિતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ વ્યવસ્થિત ષડયંત્રમાં આરોપીઓ વિરુદ્ધ BNS અને ખાસ કરીને મિલકતો જપ્ત કરી શકાય તેવા કડક GPID એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માંગ ઉઠી છે. હવે પોલીસ આ કૌભાંડમાં ક્યારે ગુનો નોંધી પીડિતોને ન્યાય આપે છે તેના પર સૌની નજર છે.