રાજકોટમાં સેવાભાવી જૈન ઉદઘોષકોનો શુભેચ્છા સન્માન સમારોહ 14 જુલાઈએ
લોકપ્રતિનિધિઓ, સમાજના આગેવાનો અને વિવિધ ક્ષેત્રે સેવારત જૈન ઉદઘોષકોનું થશે અભિવાદન
સીટી ન્યૂઝ@રાજકોટ
સમાજમાં વર્ષોથી નિસ્વાર્થ ભાવથી સેવા, સંસ્કાર અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત સેવાભાવી વ્યક્તિઓને બિરદાવવાના હેતુથી જૈન વિઝન પરિવારના ઉપક્રમે ૧૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે ૧૫૦ ફૂટ રિંગ રોડ સ્થિત બાલાજી હોલ ખાતે શુભેચ્છા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના કૃપાશિષ પ્રાપ્ત થયા હોવાથી કાર્યક્રમને વિશેષ આધ્યાત્મિક મહત્વ પણ પ્રાપ્ત થયું છે. કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંજયભાઈ પીપળીયા, કોર્પોરેશનના પદાધિકારીઓ, વિવિધ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ જૈન સમાજના આગેવાનોનું સન્માન અને અભિવાદન કરવામાં આવશે. ઉપરાંત પોલીસ અધિક્ષક હિમાંશુ દોશી, કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખ અને શહેર ભાજપના કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં સન્માનિત મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપશે.
સમાજના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાના મધુર અવાજ, વકતૃત્વ કળા અને સંચાલન કૌશલ્ય દ્વારા આગવી ઓળખ ઉભી કરનાર જૈન ઉદઘોષકોનું વિશેષ સન્માન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. અબિષ ધાધર, હેમલ મહેતા, આશિષ શાહ, બિલેશ શાહ, ઉમેશ શેઠ, ડી. કે. કોઠારી, સંજય મહેતા, મેહુલ રવાણી, સુનિલ કોઠારી, તુષાર મહેતા, ગૌરવ દોશી, મનોજ દેલીવાળા, પીલાબેન શેઠ, જયશ્રીબેન શાહ, વર્ષાબેન પારેખ, ભાવના દોશી અને જલ્પા પતીરાનું અભિવાદન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વિજયી જનપ્રતિનિધિઓ સાથે સંવાદ, સમાજના આગેવાનોનું પરસ્પર મિલન અને સેવાયાત્રાને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમારોહનું સંચાલન રૂપાળી સગાલા કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. વધુ માહિતી માટે નિરવ મહેતા તેમજ જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીનો સંપર્ક કરવા જણાવાયું છે.