પંડિત જવાહરલાલ નહેરુનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન અવિસ્મરણીય : હેમાંગ રાવલ
- » સ્વતંત્રતા સંગ્રામમાં નવ વર્ષથી વધુ જેલવાસ ભોગવ્યો, આધુનિક ભારતના પાયા મજબૂત બનાવ્યા; ઇતિહાસને વિકૃત કરવાના પ્રયાસો સામે કોંગ્રેસનો વિરોધ
સીટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોઓર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે કે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનને ઓછું દર્શાવવા અને ઇતિહાસને વિકૃત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે અને તેને કોઈપણ રાજકીય કારણોસર નકારી શકાય તેમ નથી.
અખબારી યાદીમાં તેમણે જણાવ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરુ માત્ર સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જ નહોતા, પરંતુ તેઓ સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી સેનાની પણ હતા. ભારતની આઝાદી માટેના વિવિધ આંદોલનોમાં સક્રિય ભાગ લેવા બદલ તેમણે પોતાના જીવનના નવ વર્ષથી વધુ સમય બ્રિટિશ જેલોમાં વિતાવ્યો હતો. તેમના ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રપ્રેમે સ્વતંત્ર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નહેરુ પરિવારે સ્વતંત્રતા આંદોલન દરમિયાન પોતાની સંપત્તિ, સુખ-સગવડો અને અંગત જીવન દેશને સમર્પિત કર્યું હતું. સ્વરાજ ભવન અને આનંદ ભવન જેવી ઐતિહાસિક મિલકતો પણ રાષ્ટ્રહિત માટે સમર્પિત કરવામાં આવી હતી. વિવિધ ઇતિહાસકારોના અભ્યાસ મુજબ નહેરુ પરિવારે દેશસેવા અને રાષ્ટ્રહિતને સર્વોચ્ચ સ્થાન આપ્યું હતું.
હેમાંગ રાવલે જણાવ્યું કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશને આઝાદી મળી ત્યારે ભારત ગરીબી, નિરક્ષરતા, બેરોજગારી અને ઔદ્યોગિક પછાતપણું જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યું હતું. આવા સમયમાં પંડિત નહેરુએ આધુનિક ભારતના નિર્માણ માટે મજબૂત પાયો નાખ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ રચાયેલ પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ આઝાદ, લાલ બહાદુર શાસ્ત્રી, જગજીવન રામ સહિતના મહાનુભાવોએ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે નહેરુજીની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા એટલી મજબૂત હતી કે તેમણે અલગ રાજકીય વિચારધારાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને પણ મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન આપ્યું હતું. આ તેમની રાજકીય સહિષ્ણુતા અને સર્વસમાવેશક અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે.
હેમાંગ રાવલે જણાવ્યું કે પંડિત નહેરુએ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રાથમિકતા આપીને IIT, AIIMS, UGC, CSIR અને એટોમિક એનર્જી કમિશન જેવી અગ્રણી સંસ્થાઓની સ્થાપના કરી હતી. ભિલાઈ, દુર્ગાપુર અને રાઉરકેલા જેવા વિશાળ સ્ટીલ પ્લાન્ટો તેમજ અન્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગો દ્વારા દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો હતો. ભાખરા-નાંગલ, હિરાકુડ અને નાગાર્જુન સાગર જેવા મોટા બંધોને તેઓ "આધુનિક ભારતના મંદિરો" તરીકે ઓળખાવતા હતા.
વિદેશ નીતિના ક્ષેત્રમાં પણ પંડિત નહેરુએ ભારતને આગવું સ્થાન અપાવ્યું હતું. બિનજોડાણવાદી ચળવળના સ્થાપક નેતાઓમાં તેમનો સમાવેશ થાય છે. લોકશાહી, ધર્મનિરપેક્ષતા, સ્વતંત્ર ચૂંટણી પંચ, સંસદીય પરંપરાઓ અને ન્યાયતંત્રની સ્વાયત્તતાને મજબૂત બનાવવા માટે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હેમાંગ રાવલે અંતમાં જણાવ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરુએ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૨૭ મે ૧૯૬૪ સુધી સતત આશરે ૧૭ વર્ષ અને ૬૪ દિવસ દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી, જે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સતત વડાપ્રધાન કાર્યકાળ છે. આજે ભારત જે લોકશાહી, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે તેના મજબૂત પાયા નહેરુ અને તેમના સાથી રાષ્ટ્રનિર્માતાઓએ નાંખ્યા હતા. ઇતિહાસને તોડમોડ કરીને રજૂ કરવાને બદલે મહાન નેતાઓના યોગદાનને તથ્યોના આધારે સ્વીકારવું જોઈએ.