ખાખીનો કાળો ચહેરો ! ગૌંડલમાં રેન્જ IGની ટીમનો દરોડો
- પોલીસના ઘરમાં જ જુગારધામ !
- કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં જુગાર રમી રહેલી 13 મહિલાઓ ઝડપાઈ
સિટી ન્યૂઝ | ગૌંડલ
ગૌંડલના ભવનાથનગર વિસ્તારમાં આવેલા DYSP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં ચાલતા જુગારધામ પર રેન્જ IGની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ૧૩ મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ હતી. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને રેન્જ IGની ટીમે સપાટો બોલાવ્યો હતો. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવતાં ગૌંડલ સીટી બી ડિવિઝનના આખા સર્વલન્સ સ્ટાફને રાજકોટ હેડ ક્વાર્ટરમાં તાત્કાલિક બદલી કરી છે. જ્યારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.
પોલીસ તપાસ મુજબ, મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા પોતે ગૌંડલ DYSP કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવી તીન-પત્તીનો જુગાર રમાડતા હતા અને નાલ ઉઘરાવતા હતા. ગઈકાલે, ૧૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સાંજે આશરે ૫:૩૦ વાગ્યે પોલીસે ભવનાથનગર, દત્તાત્રેય મંદિર પાસે આવેલા કોન્સ્ટેબલ ભગીરથસિંહના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ૧૩ મહિલા આરોપીઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવી હતી, જોકે, મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા હાજર મળી આવ્યા ન હતા. પોલીસે જુગારના પટમાંથી અને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧,૩૫,૬૦૦/- રોકડા કબજે કર્યા છે. આ કેસમાં પોલીસે કોન્સ્ટેબલ સહિત કુલ ૧૪ આરોપીઓ સામે જુગાર અટકાયત અધિનિયમની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જવાન સસ્પેન્ડ: બેદરકારી સબબ બી ડિવિઝનના 6 પોલીસમેનની બદલી ગૌંડલ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ ઘરે જ ચાલતા આ હાઈપ્રોફાઈલ જુગારધામ પર ખુદ રાજકોટ રેન્જ આઈજી રિલીંગ ટીમે સપાટો બોલાવ્યો હતો, રેન્જ આઈજીએ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી નાખ્યાં છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા જ ગંભીર બેદરકારીને પગલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક અસરથી કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. ગૌંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફના ૬ પોલીસ કર્મચારીઓને કોઈ પણ જાતના બેક રેફરન્સ વિના તાત્કાલિક છૂટા કરીને રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાનો સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મદનસિંહ ચૌહાણ, શક્તિસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ, મહિપાલસિંહ અને હિતેન્દ્રસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ કડક બદલીના હુકમથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે.
- હાઈકોર્ટનો ગંભીર આરોપ
- દીવથી આવતા પ્રવાસીઓને ડરાવી ઉના પોલીસ તોડ કરતી’તી
- PIની કાનૂની પ્રક્રિયા રદ કરવાની અરજી ફગાવતી હાઈકોર્ટ: તોડકાંડમાં PI પણ આરોપી
સિટી ન્યૂઝ | ગૌંડલ
ગીર સોમનાથ ACB પોલીસ મથકે વર્ષ ૨૦૨૪ માં જાન્યુઆરી મહિનામાં ઉના પોલીસ મથકના PI નિલેશ ગોસ્વામી, ASI નિલેશ ગૈથા અને નાગરિક આરોપી નીતેશકુમાર તડવી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૭A, ૧૨, ૧૩(૧), ૧૩A તથા IPC ૧૨૦B અને ૩૪ મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં PI નિલેશ ગોસ્વામીએ આ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.
ઘટનાને વિગતે જોતા ઉના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દીવથી પરત ફરતા પર્યટકો પાસેથી માંડવી ચેકપોસ્ટ ઉપર પ્રોહિબિશન જેવા કેસમાં ફસાવી દેવા અથવા કેસ ન કરવાની ધમકી આપીને રોકડ, ATM અને ઓનલાઈન પૈસા પડાવી લેવાનું ગેરકાયનું કામ કરતા હતા. માટે ઉના પોલીસ મથકના PI નિલેશ ગોસ્વામીએ નિલેશકુમાર તડવી નામનો એક વ્યક્તિ રાખ્યો હતો. જે માંડવી ચેકપોસ્ટ ખાતે ઊભો રહેતો અને અન્ય પોલીસ કચેરીઓ કેટલા પૈસા ઉઘરાવે છે, તેનું ધ્યાન રાખતો. વળી કોઈ પર્યટક પોલીસનો વીડિયો ના ઉતારે તેનું પણ ધ્યાન રાખતો. PI આ કામ માટે મહિને તેને ૨૦ હજાર રૂપિયા આપતા. ACB ને બાતમી મળતા ACB એ છટકું ગોઠવ્યું હતું. પરંતુ છટકા વાળી ગઈમાં રેકોર્ડર જોઈ હતા પોલીસ કર્મચારીઓએ શંકા જતા તમામ ભાગવા લાગ્યા હતા. જેમાં નિલેશકુમાર તડવી ઝડપાઈ ગયો હતો. જેના મોબાઈલમાં PI નું નામ ’ગુરુજી’ તરીકે સેવ હતું. PI તડવી પાસેથી પ્રતિબંધિત પદાર્થો, હિસાબ અને રૂપિયા મંગાવતા હતા. જો કે ફરિયાદ નોંધાતા PI અને ASI ફરાર થઈ ગયા હતા, મોબાઈલ ફોનની ઓડિયો ફાઇલો તપાસતા અરજદાર અને પોલીસ કર્મચારીઓ વચ્ચેની વાતચીત મળી આવી હતી. જેમાં અરજદાર ચેક પોસ્ટ પરથી ઇદરાવવામાં આવતા ગેરકાયદેસર નાણાં પોતાની પાસે પહોંચાડવાની સૂચના આપતા સંભળાયા હતા. ચેક પોસ્ટ પરથી પસાર થતા લોકો પાસેથી રોકડ અથવા જો રોકડ ન હોય તો ગુગલ પે જેવા ડિજિટલ માધ્યમોથી લાંચ લેવામાં આવતી હતી. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર કેસના દિવસે ઘટનાસ્થળે શારીરિક રીતે હાજર ન હતા, તેમની સામે સીધી માંગણી, નાણાં સ્વીકારવા કે રિકવરીનો કોઈ સીધો પુરાવો નથી, જે ભ્રષ્ટાચાર કેસ માટે અનિવાર્ય છે. આ સમગ્ર FIR માત્ર સહ-આરોપી નિલેશ તડવીના નિવેદન અને તેના ફોનમાંથી મળેલા ટ્રાન્સફર પર આધારિત છે.ગુજરાત હાઈકોર્ટે અરજદારની રદ કરવાની અરજી ફગાવતા નોંધ્યું હતું કે FIR રદ કરતી વખતે કોર્ટ પુરાવાઓનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરીને મિની-ટ્રાયલ શરૂ ન કરી શકે.