પોતે તકલીફમાં હોવા છતાં ખેડૂતોએ રક્તદાન કરી રીબડાનો રેકોર્ડ તોડ્યો
જેતપરમાં ખેડૂતોનો 8માં દિવસે સંઘર્ષ યથાવત
-
■ સરકારે મંત્રણા માટે ત્રણ વાર આમંત્રણ આપ્યું પણ ખેડૂતો પોતાની માંગ સાથે અડગ
-
■ જો મુખ્યમંત્રી લેખિતમાં પત્ર આપે પછી જ ગાંધીનગર બેઠક કરવા જશું : ખેડૂત આગેવાન
સીટી ન્યૂઝ@રાજકોટ
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન, બુધવારે એક જ દિવસમાં ૫,૫૫૧ ખેડૂતે રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ સવારે ૯ વાગ્યાથી રાત્રિના ૧૨ વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં ખેડૂતોએ કંપની દ્વારા થતા કથિત અન્યાય સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે, તેમણે રીબડાનો એક દિવસમાં સૌથી વધુ રક્તદાનનો રેકોર્ડ તોડ્યો હતો.
જેતપર ગામે ખાનગી વીજ કંપનીની કામગીરીથી નારાજ થઈને ખેડૂતોએ ૧૮ જૂનથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, આ આંદોલનમાં કોઈ રાજકીય આગેવાનો સામેલ નથી. સરકારે ખેડૂતોને મંત્રણા માટે બે-ત્રણ વખત આમંત્રણ આપ્યું છે.
ખેડૂતોએ પોતાની માંગણીઓ લેખિતમાં સરકારને મોકલી આપી છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, સરકાર તેમની માંગણીઓ અંગે સ્પષ્ટતા કરે અને મુખ્યમંત્રી તેમને મળવા માટે લેખિત પત્ર આપે તે પછી જ તેઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક કરવા જશે. આ રક્તદાન કેમ્પ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવાના વિરોધમાં યોજાયો હતો. બુધવારે સવારે ૯ વાગ્યાથી રાત્રિના ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૫,૫૫૧ બોટલ રક્ત એકત્રિત થયું હતું. બ્લડ બેંકો પાસે જરૂરી સાધનસામગ્રી ખૂટી પડતાં ગુરુવારે પણ ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો છે.
ગુજરાતમાં એક જ જગ્યાએ એક જ દિવસમાં સૌથી વધુ રક્ત એકત્રિત કરવાનો રીબડાનો રેકોર્ડ (૫,૪૧૯ રક્તદાતા) જેતપર ગામના ખેડૂતોએ તોડ્યો છે. જેતપરમાં એક જ દિવસમાં ૫,૫૫૧ બોટલ રક્ત એકત્રિત થયું છે અને કેમ્પ હજુ પણ ચાલુ હોવાથી આ આંકડો વધવાની શક્યતા છે.