Loading Please Wait !!!
હસતી-રમતી દીકરીને સ્કૂલે ભણવા મોકલી હતી, લાશ મળી: પિતાની પીડા, આંદોલનની ચીમકી

 

 

વેદના: જસદણની આલ્ફા સ્કૂલ સામે પિતાનો ઉગ્ર રોષ

  • 27 જૂને દીકરીને મળવા જવાના હતા 24 જૂને મૃત જોવા મળી

  • 24 કલાક બાદ પણ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર: પોલીસ ફરિયાદ બાદ જ મૃતદેહ સ્વીકારાશે: પરિવારજનો

દીકરીને 12 દિવસથી તાવ આવતો હતો તો પણ હોસ્ટેલમાં મૂક્યા બાદ વાત કરવા કે મળવા દેતા ન્હોતા : પરિવારજનો

સીટી ન્યૂઝ@જસદણ

રાજકોટ જિલ્લાના જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં રહી ધોરણ 5માં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીની આયુષી બલદાણીયાના મોતને લઈ શાળા સંચાલકોની બેદરકારી અંગેના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસથી બીમાર હોવા છતાં શાળા સંચાલકોએ પરિવારને જાણ પણ ન કરી અને સારવાર પણ ન કરાવતા તેનું મોત થતા એજ્યુકેટેડ શાળા સંચાલકોની જ બેદરકારીથી મોત થયું હોવાથી સંચાલકો સામે કડક કાર્યવાહી સાથે ન્યાયની માંગ કરી છે. જો ન્યાય ન મળે તો પરિવારે સમાજને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. મૃતક દીકરીના પિતા રમેશભાઈ બલદાણીયાએ જણાવ્યું કે, બે મહિના પહેલા મારી હસતી-રમતી દીકરીને સારું શિક્ષણ મળે તે માટે મોકલી હતી, પરંતુ આ બેદરકાર સંચાલકોએ મને મારી દીકરીનો મૃતદેહ સોંપ્યો છે, એમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. વધુમાં રમેશભાઈએ કહ્યું કે, અમે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામના રહેવાસી છીએ. મારી દીકરીનું નામ આયુષી છે અને તેની ઉંમર 9 વર્ષ અને 11 મહિના છે. 27 એપ્રિલ, 2026ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં અભ્યાસ અર્થે મોકલી હતી.

આયુષી ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ગઈકાલે (24 જૂન) સ્કૂલથી મને ફોન આવ્યો હતો કે, તમારી દીકરીને પગ દુખે છે, માટે સારવાર અર્થે તેને રાજકોટ હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ, મે તેમને પૂછ્યું કે, એની તબિયત ખરાબ હતી? તો સ્કૂલ સંચાલકોએ કહ્યું કે, હા 10 દિવસથી એની તબિયત ખરાબ હતી. જેથી મેં કહ્યું કે, આજે 10 દિવસ પછી તમે કેમ ફોન કર્યો છે? અગાઉ કેમ ન દીધું? અને મેં તેમને સારી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું છું પોતે રાજકોટ આવવા નીકળી ગયો હતો. થોડીવાર પછી મને ફોન આવ્યો કે, અમે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેઓ સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે કહે છે. જેથી મેં મારા સંબંધીને સિવિલ હોસ્પિટલ મોકલ્યા, ત્યારે મારી દીકરીનો મૃતદેહ ત્યાં પડેલો હતો. હું રાજકોટ પહોંચ્યો ત્યારે મને મારી દીકરીનો મૃતદેહ જ જોવા મળ્યો. શાળા સંચાલકોની જ બેદરકારી છે. મેં મારી હસતી-રમતી દીકરીને અભ્યાસ અર્થે મોકલી હતું, પરંતુ આ મળ્યો. સંચાલકો મને મારી દીકરીનો મૃતદેહ સોંપ્યો છે. સંચાલકો તો એજ્યુકેટેડ લોકો છે, 10 દિવસથી બીમાર હતી તો યોગ્ય સારવાર કેમ ન કરાવી અને અમને જાણ કેમ ન કરી, તે મને સમજાતું નથી.

અમારી બેદરકારી થઈ છે તે સ્વીકારીએ છીએ હોસ્ટેલ સંચાલક

મીડિયા સમક્ષ આલ્ફા હોસ્ટેલના સંચાલક હિતેન શંભાર્યાએ જણાવ્યું કે, બપોરે 1 વાગ્યે દીકરીએ કહ્યું કે પગમાં ચાલી ચઢી ગઈ છે. જે બાદ ઊભી થવાનું કહ્યું તો હલન-ચલન નહોતી કરતી, જેથી અમને એવું થયું કે આંચકી ઉપડી છે. જે બાદ અમે તરત જ હોસ્પિટલમાં તેને લઈ ગયા અને ઈમરજન્સીમાં ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. જોકે, ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે, ઓક્સિજનનો પ્રોબ્લેમ છે અને બીપી લો થાય છે, જેથી રાજકોટ લઈ જવી પડશે. જે બાદ અમે પહેલા અમૃતા અને ત્યારબાદ સિનર્જી હોસ્પિટલ ગયા તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાવ અને રાજકોટમાં તબીબ દ્વારા દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી. અગાઉ દીકરીને અછબડા થયા હતા, ત્યારે તેની જાણ પરિવારને કરવામાં આવી ન હતી. આ વખતે દવા તો આપી જ હતી, તે વખતે બેદરકારી થઈ હતી, તેવો સ્વીકાર્યું છું.