‘સંભારણાં’ કાર્યક્રમમાં 2000થી વધુ શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ
શ્રી બાલાજી હનુમાનજી મંદિરે કવિ ‘આપ’ની સ્મૃતિવંદનામાં ભજનરસની રમઝટ
-
» પદ્મશ્રી હેમંત ચૌહાણ, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોએ આપી સંગીતમય અંજલિ
-
» કવિ ‘આપ’ના સાહિત્યિક વારસાને કલાકારોએ યાદ કરી ભાવુક સંસ્મરણો વહેંચ્યા
-
» 32મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં હોલ ખીચોખીચ ભરાયો
સીટી ન્યૂઝ@રાજકોટ
ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરના સભાગૃહ ખાતે સ્વ. આબાભાઈ ગઢવી (કવિ ‘આપ’) ની ૩૨મી પુણ્યતિથિ નિમિત્તે ‘કવિ આપ પરિવાર-રાજકોટ’ અને મંદિર પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે ‘સંભારણાં’ સ્મૃતિવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભજન, સાહિત્ય અને સંસ્કૃતિના સંગમરૂપ આ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ ભજનરસિકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંત ચૌહાણ, કિર્તીદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા, ગેરાણ ગઢવી અને રાજેશ ગઢવી સહિતના અગ્રણી કલાકારોએ કવિ ‘આપ’ની લોકપ્રિય ભક્તિ રચનાઓ રજૂ કરીને શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. સાથે જ કલાકારોએ કવિ ‘આપ’ સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો રજૂ કરતા સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.
કાર્યક્રમ દરમિયાન કવિ ‘આપ’ની લોકપ્રિય રચનાઓ ‘કરેલા કરમના બદલા દેવા તો પડે છે’, ‘ભોગલ છેકતા કાળો નાગ’ અને ‘મારા ઠાકોરજીના થાવું’ સહિત અનેક ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. શ્રોતાઓએ કલાકારોને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે કવિ ‘આપ’એ ગુજરાતી ભક્તિ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમની ૫૦૦થી વધુ ભક્તિ રચનાઓને પદ્મશ્રી હેમંત ચૌહાણે સ્વરબદ્ધ કરી ધ્વવનમુદ્રિત કરી છે, જે ગુજરાતી ભજન સાહિત્યમાં એક નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી બાલાજી હનુમાનજી મંદિરના મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી તથા કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીના આશીર્વાદ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આયોજકોના જણાવ્યા મુજબ છેલ્લા ૩૨ વર્ષના ઈતિહાસમાં આ કાર્યક્રમ સૌથી ભવ્ય અને યાદગાર રહ્યો હતો. અંતે કવિ ‘આપ’ પરિવાર અને મંદિર પ્રશાસને ઉપસ્થિત કલાકારો તથા શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો હતો.