Loading Please Wait !!!
હવે હું ફિટ છું: સાંઢિયો પુલ

હાશકારો: દરરોજ 1 લાખ વાહનચાલકોને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ

  • 2 વર્ષથી ICUમાં રહેલા સાંઢિયા પુલને ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ કર્યો ‘ડિસ્ચાર્જ’ ફરી ઓનરોડ દોડ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટવાસીઓ લાંબા સમયથી જેની રાહ જોતા હતા તે નવનિર્મિત ફોરલેન સાંઢિયા પુલનું ૧૩ જૂનને શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ રૂ. ૭૪.૩૨ કરોડનાં ખર્ચે બનેલા આ બ્રિજને ખુલ્લો મુક્યા બાદ હર્ષ સંઘવીએ મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પણ સમયે ટ્રાફિક પોલીસે જનતાને પુલના છેડે રોકી રાખવામાં આવી હતી. હર્ષ સંઘવી પુલની વિઝિટ કરતા હોવાથી ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. જોકે આ દ્રશ્યો જોઈને નાયબ મુખ્યમંત્રીએ ટ્રાફિક પોલીસને તાત્કાલિક ટ્રાફિક ખોલી નાખવા સૂચના આપી હતી. નવા ફોરલેન બ્રિજનું લોકાર્પણ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ ચાર્જ સંભાળ્યાનાં બીજા દિવસે ૨૯ મેનાં રોજ આ બ્રિજની મુલાકાત લીધી હતી. જેમાં નવનિર્મિત બ્રિજની કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવા સહિત કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી. કરોડોના ખર્ચે બનેલા મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ટેકનિકલ-ફિનિશિંગ સ્તરની ખામીઓ જોઈને મેયર ભારે નારાજ થયા હતા અને ઘટનાસ્થળે જવાબદાર અધિકારીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. એટલું જ નહીં વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થાય નહીં તે હેતુથી તમામ ખામીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે કડક આદેશો આપ્યા હતા, જેને લઈ યુદ્ધના ધોરણે ખામીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આજે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

રેલવે પોર્શનમાં હયાત જર્જરીત રેલવે ઓવરબ્રિજનું ડાયમંડ કટિંગ પદ્ધતિ દ્વારા ૨-૨ કલાકના ક્રમિક ટ્રાફિક બ્લોક દરમિયાન ડિમોલિશિંગ કામગીરી કરવામાં આવી છે, જેથી રેલવે ટ્રાફિકને કોઈ અડચણરૂપ ન થાય. નવો સાંઢિયા ફોર લેન બ્રિજ અત્યાધુનિક ડિઝાઇન અને ટેકનોલોજીથી બન્યો છે, તેની ઊંચાઈ ૬.૨૫ મીટર અને પહોળાઈ ૧૬.૪૦ મીટર (ફોર લેન) છે, જે ભવિષ્યની વાહનવ્યવહારની જરૂરિયાતોને ધ્યાને લઈ બનાવવામાં આવ્યો છે.

માધાપર ચોકડી તરફ તેની લંબાઈ ૨૯૮ મીટર અને હોસ્પિટલ ચોક તરફ પણ ૨૯૮ મીટર છે. રેલવે ટ્રેક ઉપરનો સ્પાન ૩૬ મીટરનો છે, જે રેલવેના માર્ગદર્શન મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોર લેન બ્રિજનું લોકાર્પણ થવાથી હવે લાખો વાહનચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. આ પુલ રાજકોટ-જામનગર રોડ પર ટ્રાફિકની અવરજવરને સરળ બનાવશે અને પ્રવાસનો સમય ઘટાડશે.