રાજકોટઓખા રેલવે સેક્શનની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઇ
- મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ કાનાલુસ સ્ટેશનની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું
સીટી ન્યૂઝ@રાજકોટ
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર) રામાશ્રય પાંડેએ રાજકોટઓખા રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાનાલુસ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ મુસાફરોને ઉપલબ્ધ સુવિધાઓ, સ્વચ્છતા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે રાજકોટઓખા સેક્શનમાં રેલ ટ્રેકની સ્થિતિ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને વિવિધ સુરક્ષા માપદંડોનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે રેલ સંચાલનની સલામતી અને ગુણવત્તા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. રેલવે તંત્રના જણાવ્યા મુજબ નિયમિત સેફ્ટી નિરીક્ષણ સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આવા નિરીક્ષણોથી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા જાળવવાની સાથે મુસાફરોની સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે. કાનાલુસ સ્ટેશન ખાતે મહાપ્રબંધકે ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ, મોડ્યુલર શૌચાલય, રનિંગ રૂમ સહિતની મહત્વપૂર્ણ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત સ્ટેશન પરિસરની સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓની ઉપલબ્ધતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને કર્મચારીઓના કલ્યાણ સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મહાપ્રબંધકે રેલવે કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી અને સલામતી, કાર્યક્ષમતા તથા મુસાફર કેન્દ્રિત સેવાઓના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.