Loading Please Wait !!!
રાજકોટમાં પાણીકાપ સામે લોક સંસદ વિચાર મંચનો આક્રોશ

 

  • મેયરના વોર્ડ સહિત વોર્ડ નં.13માં પાણીકાપથી લોકો પરેશાન; એક્સપ્રેસ ફીડર લાઇન યોજના નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર થતા પાણીકાપ સામે લોક સંસદ વિચાર મંચે તંત્ર અને શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. મંચના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે મેયરના વોર્ડ નંબર-૭ સહિત વોર્ડ નંબર-૧૩માં પણ પાણીકાપ મૂકવામાં આવતા શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

લોક સંસદ વિચાર મંચના મોભી તથા વોર્ડ નં. ૩ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાની, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા અને જેન્તીભાઈ હિરપરાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે રાજકોટમાં ૨૪ કલાક અને અડધી કલાક પૂરતા દબાણ સાથે પાણી આપવાના શાસકોના દાવા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. હાલ અનેક વિસ્તારોમાં લોકોને રોજના ૨૦ મિનિટ પણ પૂરતું પાણી મળતું નથી.

યાદીમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન અમલમાં મુકાયેલ ૨૪×૭ પાણી પુરવઠાનો પાયલોટ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ પણ ચૂંટણી સમયે શાસકોએ શહેરને અડધી કલાક પૂરતા ફોર્સ સાથે પાણી આપવાના વચનો આપ્યા હતા, પરંતુ તે વચનોનું પણ બાળમરણ થયું હોવાનું મંચે જણાવ્યું છે.

મંચના આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાણીની તંગી હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અને વોટર હાર્વેસ્ટિંગ માટે કોઈ અસરકારક આયોજન કરવામાં આવ્યું નથી. જેના કારણે ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થવાને બદલે વ્યર્થ વહી જાય છે અને ઉનાળામાં નાગરિકકોને પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે પાણીના ટાંકા સાફ કરવાની કામગીરી, લાઈન રિપેરિંગ, ગેઇન્ટેનન્સ, વીજ ફોલ્ટ, નર્મદાનું અપૂરતું પાણી સહિતના વિવિધ કારણો દર્શાવી વારંવાર પાણીકાપ મૂકવામાં આવે છે. અગાઉ જાહેર કરાયેલી એક્સપ્રેસ ફીડર લાઇન યોજના અંતર્ગત અન્ય ઝોનમાંથી પાણી પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હાલ આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હોવાનું મંચે જણાવ્યું છે. લોક સંસદ વિચાર મંચે વધુમાં જણાવ્યું છે કે શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી ગંદા, દુર્ગંધયુક્ત અને ડોહળા પાણીના વિતરણની ફરિયાદો સતત ઉઠી રહી છે. જેના કારણે નાગરિકોમાં પાણીજન્ય અને ચામડીના રોગો ફેલાવાની ભીતિ વધી રહી છે. તેમ છતાં તંત્ર અને જવાબદાર પદાધિકારીઓ દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી.