સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવાનું મોટું નેટવર્ક ધરાવતા ફિરોઝ સહિત 20 સામે ગુજસીટોક
ગુજરાતમાં એક સાથે વીસ બુટલેગરો સામે ગુજસીટોકની પ્રથમ કાર્યવાહી રાજકોટના નામે : એક દસકામાં હત્યાની કોશિશ, આર્મ્સ, દારૂ સહિતના નોંધાયેલા 272 ગુના ધ્યાને લેવાયા
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાય કરતા બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સધી ગેંગના ૨૦ શખ્સો સામે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હાલ પોલીસે ૧૦ આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સધી ૯ આરોપી જુદા જુદા ગુનામાં જેલમાં બંધ હોવાથી તેની જેલમાંથી કબ્જો મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યારે ૨ આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા ૧૦ વર્ષમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, મારામારી દારૂ જેવી ગુના મળી કુલ ૨૭૨ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ શહેર ક્રાઈમ ડીસીપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના બુટલેગરો સુધી દારૂ પહોંચાડતા બુટલેગરો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સધી સહીત ૨૦ શખ્સો દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૨૭૨ ગુના આચરવામાં આવ્યા છે.
આ ગુનામાં પોલીસે હાલ ૧૦ આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સધી સહીત ૯ શખ્સો જેલમાં બંધ હોવાથી તેનો કબ્જો મેળવવાની વિરુદ્ધની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યારે ૪ આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે પકડાયેલા ૧૦ આરોપીઓમાં ચંદ્રેશ ઉર્ફે કાળિયો ચાર વિરુદ્ધ ૧૭ ગુના, ધવલ ઉર્ફે શિવ વડનગર વિરુદ્ધ ૧૭ ગુના, યશપાલસિંહ જાડેજા વિરુદ્ધ ૧૩ ગુના, મનોજ ઉર્ફે શિવો પોબારૂ વિરુદ્ધ ૫ ગુના, મોહસીન ઉર્ફે ચીનલો કુરેશી વિરુદ્ધ ૭ ગુના, જય ઉર્ફે જયશન સાવલિયા વિરુદ્ધ ૧૦ ગુના, મોહસીન ભાથા વિરુદ્ધ ૧ ગુના, બકુલ ઉર્ફે જગદીશ નંદેશણીયા વિરુદ્ધ ૫ ગુના, રાહુલ વડાતર વિરુદ્ધ ૭ ગુના, અને નિર્મળ માણેક વિરુદ્ધ ૬ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે જેલમાં બંધ ફિરોઝ ઉર્ફે ફીરીયો વિરુદ્ધ છેલ્લા ૨૦ વર્ષમાં ૩૫ ગુના નોંધાઈ ચૂક્યા છે અને ૭ વખત પાસા હેઠળ ધકેલાઈ ચૂક્યો છે.
જ્યારે ધવલ સાવલિયા વિરુદ્ધ ૨૮ ગુના, ઈમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી કાલવા વિરુદ્ધ ૨૧ ગુના, પ્રશાંત ઉર્ફે પાસો પરમાર વિરુદ્ધ ૧૩ ગુના, હર્ષદ ઉર્ફે મહાજન માંડલિયા વિરુદ્ધ ૨૬ ગુના અને યુસુફ ઉર્ફે ડાંગી હિંગોરા વિરુદ્ધ ૧૮ ગુના નોંધાઈ ચૂક્યા છે.