Loading Please Wait !!!
સૌરાષ્ટ્રમાં ગરમીમાં વરસાદની આગાહી

=> શનિ-રવિ અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા

=> તાપમાનમાં ઘટાડો નોંધાશે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે

સિટી ન્યૂઝ@અમદાવાદ

કાળઝાળ ગરમીથી ગુજરાતમાં નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ ૨૨ અને ૨૩ મેના રોજ કેટલાક જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ૨૨ મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હવામાન વિભાગે ૨૨મેના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

પ્રી-મોન્સૂનની શરૂઆત

દેશમાં પ્રી-મોન્સૂન શરૂ થઈ ગયું છે અને તેની અસર ઘણા ભાગોમાં જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ચોમાસાનું પણ આગમન થવાની ધારણા છે અને ગયા વર્ષના રેકોર્ડબ્રેક વરસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ એટલે કે ૨૩ મે સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

ભારે પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી

આગામી ત્રણ દિવસ માટે ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં હવામાન ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે ૨૧, ૨૨ અને ૨૩ મેના રોજ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા, વીજળી અને ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ૨૨ અને ૨૩ તારીખે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.