Loading Please Wait !!!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું અચાનક રાજીનામું

લડાયક વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતની રજૂઆતના પડઘા

વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થા મુદ્દે શિક્ષણમંત્રીને કરી હતી ઉગ્ર રજૂઆત

સિટી ન્યૂઝ | રાજકોટ

કોઈક કોઈક મુદ્દે સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું અચાનક રાજીનામું આવી દેતા શિક્ષણજગતમાં ભારે ચર્ચા જાગી છે. છેલ્લા કેટલાક સમયથી પરીક્ષા વ્યવસ્થા, પરિણામોમાં વિલંબ અને વહીવટી ગેરવ્યવસ્થાને લઈને ઉઠેલા પ્રશ્નો વચ્ચે આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રી સમક્ષ પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થા અંગે વિગતવાર રજૂઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના અનેક મુદ્દાઓ દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રોહિતસિંહે રજૂઆતમાં જવાબદારીનું યોગ્ય અને ગુણવત્તાસભર મૂલ્યાંકન ન થવું, વર્ષોથી રી-એસેસમેન્ટ પ્રક્રિયામાં સુધારો ન થવો, પરિણામોમાં ગેરહાજર દર્શાવવાના કિસ્સાઓ, પરીક્ષા અને પરિણામોમાં થતા અસહ્ય વિલંબ સહિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત તેમણે એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો કે રેગ્યુલર કોર્સના વિદ્યાર્થીઓ હાલમાં સેમેસ્ટર-૩માં પહોંચી ગયા છે, જ્યારે બી.એ. અને એમ.એ. એક્સટર્નલ કોર્સના અંદાજે ૩,૦૦૦ વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ જ એક વર્ષ વીતી જવા છતાં લેવામાં આવી નથી. જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અનિશ્ચિત બન્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રીને કરેલી રજૂઆત દરેક મુદ્દે ફોકિટ માહિતી અને દસ્તાવેજ આધાર સાથે કરવામાં આવી હતી, જેને શિક્ષણ વિભાગે ગંભીરતાથી નોંધમાં લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, વિદ્યાર્થીનેતાએ શિક્ષણમંત્રીને ટેલિફોનિક રજૂઆતને તાકીદે ધ્યાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અને વહીવટી વ્યવસ્થા અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગતા યુનિવર્સિટીમાં દોડધામ મચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટનાક્રમ બાદ કુલપતિએ ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહ પાસેથી રાજીનામું લઈ લીધું હોવાનું જાણવા મળે છે. જોકે, મનીષ શાહે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે તેમણે સ્વૈચ્છિક રીતે જવાબદારીમાંથી મુક્તિ માંગતા રાજીનામું આપ્યું છે. રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રી સમક્ષ માંગ કરી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, સમગ્ર શૈક્ષણિક કેલેન્ડરનો કડક અમલ કરાવવામાં આવે તેમજ વહીવટી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં શું ફેરફારો થાય છે તેના પર વિદ્યાર્થીઓ અને શિક્ષણજગતની નજર મંડાયેલી છે.